ભરૂચઃ સાઉથ આફ્રિકાના ડર્બનમાં ચોથીએ રાત્રે ટોઇંગ વાનને ઓવરટેક કરવા જતાં ભરૂચના વેપારી સરવર મહેબૂબખાન પઠાણની કારનો અકસ્માત થયો હતો. જેમાં સરવર ખાન તથા તેના ત્રણ મિત્રો યાસીન યાકુબ પટેલ (ભરૂચ), મોહસીન પટેલ (ભરૂચ) તથા જીજ્ઞેશ પટેલ (નડિયાદ)નાં મૃત્યુ નીપજ્યા હતા. ચારેય વેપાર અર્થે ડર્બન ગયા હતા. ત્યાંથી પરત ફરતાં હાઈ વે નજીક એક ટોઇંગ વાનને ઓવરટેક કરવા જતાં આ અકસ્માત થયો હતો. જેમાં ગંભીર ઈજાઓ સાથે ચારેયના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતા.
અકસ્માત સમયે મૃતક યાસીન કાર હંકારતા હોવાનું તથા કારની સ્પીડ ૧૫૦ કિમીની હોવાનું સ્થાનિક પોલીસે તેમના રિપોર્ટમાં નોંધ્યું હતું. રોજી રોટી કમાવવાના આશયથી ૧૫ વર્ષ અગાઉ જહોનિસબર્ગમાં સ્થાયી થયેલા સરવર મહેબૂબખાન પઠાણ ગ્રોસરીના વેપાર સાથે સંકળાયેલા હતા. જયારે મોહસીન પડદા બનાવવાના ધંધા સાથે સંકળાયેલા હતા. ચારેય યુવાનો પરિણીત હતા અને પરિવાર સાથે સાઉથ આફ્રિકામાં રહેતા હતા. સરવર પઠાણના બે ભાઇઓ પણ આફ્રિકામાં સ્થાયી થયા છે જયારે એક ભાઇ હાલમાં ભરૂચમાં રહે છે.
સારવારનો અભાવ
સરવર પઠાણ અને મિત્રો સાથે અકસ્માત પછી ઘટનાસ્થળે રેસ્કયુ ટીમ પહોંચવામાં અને ઇજાગ્રસ્તોને સારવાર મળવામાં ૬થી ૮ કલાકનો સમય લાગતાં ઇજાગ્રસ્તોને બચાવી ન શકાયા હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.