ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ

Wednesday 25th November 2015 08:36 EST
 

દંડકારણ્યવનઃ ડાંગ જિલ્લાના દંડકારણ્ય વન, ગિરિમથક સાપુતારા અને તેની તળેટીના વિસ્તાર તેમજ વઘઈ તથા તેની આજુબાજુના વિસ્તારમાં ૨૨મી અને ૨૩મી નવેમ્બરે કમોસમી વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વીકએન્ડ હોવાથી આ બંને દિવસે ગિરિમથક સાપુતારામાં સહેલાણીઓની ભારે ભીડ હતી અને પ્રવાસીઓએ કમોસમી વરસાદની મજા માણી હતી. જોકે વઘઈ તાલુકામાં વરસાદ પડતાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં હતાં. બીજી તરફ ખેડૂતો કમોસમી વરસાદથી શિયાળુ પાકને નુક્સાન થવાના પ્રશ્ને પરેશાન થઈ ગયા છે. 

• ડિસેમ્બરથી સુરત-મુંબઈની ફ્લાઇટ શરૂ થશેઃ સુરતથી દિલ્હીની ફ્લાઇટ શરૂ થયા બાદ હવે કેન્દ્ર સરકારે ડિસેમ્બરના પ્રથમ પખવાડિયામાં સુરતથી મુંબઈની ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. સુરત-મુંબઈની ફ્લાઈટનો સમય સાચવવા માટે અને એર કનેક્વિટીની સુવિધાને વધુ સજ્જ બનાવવા માટે હાલમાં પ્રાયોગિક ધોરણે એર ઇન્ડિયાની સાંજની સુરતથી દિલ્હી ફ્લાઇટને વહેલી કરાઈ છે અને રાત્રે દસ વાગ્યાને બદલે ફ્લાઇટ નવ વાગ્યે દિલ્હી પહોંચે છે.

• ચૂંટણી પ્રચાર દરમિયાન અપક્ષ ઉમેદવારનું નિધનઃ રાજપીપળા નાગરિક સહકારી બેંકના ડિરેક્ટર અને અપક્ષ તરીકે નપાની ચૂંટણીના ઉમેદવાર જયંતિભાઈ ભાટિયાનું ૨૨મી નવેમ્બરે સવારે ચૂંટણી પ્રચાર દરમિયાન હૃદય રોગના હુમલાથી નિધન થયું હતું.

• મજૂરોની સામે જ દીપડો આવી ચડ્યોઃ બિલિમોરા નજીકના ઉડાચ ગામના મલ્લી ફળિયા નદીકાંઠા વિસ્તારમાં મજૂરોની સામે ૧૮મી નવેમ્બરે અચાનક કદાવર દીપડો આવી ચડ્યો હતો. મજૂરોની સામે ઘૂરકીયા કરતા દીપડાને ભગાડવા મજૂરોએ બૂમાબૂમ કરી અને કુહાડી ઉગામી ત્યારે દીપડો જતો રહ્યો હતો, પરંતુ સતર્કતાના પગલાં રૂપે આ બનાવ પછી વન વિભાગે મરઘીનું મારણ મૂકવા સાથે આ વિસ્તારમાં પાંજરું ગોઠવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter