સુરતઃ ડાંગ વિસ્તારમાં આદિવાસી ભગતો જંગલી જડીબુટ્ટીથી વિવિધ બિમારીની સારવાર કરવામાં નિષ્ણાત છે. આથી તેમની પાસે મહારાષ્ટ્ર, રાજ્સ્થાન સહિતના રાજ્યોમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. ડાંગના આદિવાસી ભગતો કયા રોગની સારવાર કરવામાં નિષ્ણાત છે, તેમનો સંપર્ક નંબર, કઇ જડીબુટ્ટીના જાણકાર છે તે તમામ માહિતી હવે વેબસાઇટ પરથી જાણવા મળશે.
ડાંગના મુખ્ય મથક આહવામાં આદિવાસી ભગતોની હર્બલ જડીબુટ્ટીની માહિતી દેશવિદેશમાં પહોંચે તે માટે સ્વદેશી જ્ઞાન અભિયાનનો પ્રારંભ કરાયો છે. ડાંગ જિલ્લામાં જંગલોની જડબુટ્ટીના જાણકાર એવા ૧૫૦ આદિવાસી ભગતો છે. તેઓ સરકારે આપેલા મકાન કે જેનું નામ ડાંગ કેફેમાં દર્દીઓને સારવાર આપે છે.
એલોપેથી દવાથી કંટાળેલા દર્દીઓ હવે હર્બલ સારવાર પસંદ કરે છે. આથી આહવામાં આદિવાસી ભગતો પાસે સારવાર કરાવવા દર્દીઓ મોટી સંખ્યામાં આવે છે. ટૂંક જ સમયમાં એક વેબસાઇટ લોન્ચ કરાશે જેમાં ભગતો વિશે માહિતી હશે. વધુમાં વધુ લોકો વિવિધ રોગની સારવાર માટે ડાંગમાં આદિવાસી ભગતો પાસે આવે અને પરંપરાગત સારવારનો લાભ મેળવે તે મુખ્ય ઉદ્દેશ છે.
રૂ.૭૦૦ કરોડનાં હવાલા કાભાંડ સુરતના શખ્સની ધરપકડઃ સુરત શહેરના અફરોઝ ફટ્ટાની તપાસમાં એન્ફોર્સમેન્ચ ડાયરેક્ટોરેટ (ઇડી)એ રૂ. ૭૦૦ કરોડનું વધુ એક હવાલા કૈાભાંડ પકડ્યું છે. ઇડીની તપાસમાં સુરતની મેબરોક ટ્રડિંગ કંપનીના માલિક મનીષ ભોગીલાલ શાહની ધરપકડ થઇ છે. ભારતભરમાં ફેલાયેલા અફરોઝ ફટ્ટાના હવાલાકાંડમાં વધુ તપાસ કરાતા દુબઇના મોટાગજાના હવાલા ઓપરેટરોના નામો ખુલ્યા છે. ટૂંક સમયમાં રેડ કોર્નર નોટિસ ઇશ્યૂ કરીને દુબઇના ઓપરેટરોની ધરપકડ કરાશે.
ઇડીએ રૂ. ૧૦ હજાર કરોડના હવાલા કૌભાંડમાં સુરતના અફરોઝ ફટ્ટા, મુંબઇના મદનલાલ જૈન, રાકેશ કોઠારીની ધરપકડ કરી છે. આ કેસની તપાસ ચાલુ રાખવામાં આવતા અફરોઝ ફટ્ટાની બોગસ કંપનીઓમાંથી દુબઇની કંપનીમાં રૂ.૭૦૦ કરોડ હવાલાથી ટ્રાન્સફર થયા હોવાના પુરાવા ઇડીને મળતા મનિષ શાહની સુરતમાંથી ધરપકડ કરાઇ છે.