વઘઈઃ ડાંગ એક્સપ્રેસના નામે ઓળખાતો ડાંગ જિલ્લાના પહાડી પ્રદેશનો યુવા દોડવીર મુરલી ગાવિત વિયેતનામમાં યોજાઈ રહેલી ૧૭મી જુનિયર એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-૨૦૧૬માં ૫૦૦ મીટરની દોડમાં ભાગ લઈને, ભારત માટે ગોલ્ડ મેડલ મેળવીને ભારતીય તિરંગો લહેરાવવા માટે વિદેશી ધરતી પર પહોંચી ગયો છે. ત્રીજી મેએ કર્ણાટકના પાટનગર બેંગ્લુરુમાં યોજાયેલી જુનિયર એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૧૬ માટેના ક્વોલિફાય રાઉન્ડમાં દેશના લગભગ તમામ રાજ્યોમાંથી પસંદ થવા માટે આવેલા દોડવીરોને પાછળ છોડીને દેશ માટે દોડવાની તક ઝડપી લેનારા ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના કુમારબંધ ગામના મુરલીએ પ્રથમ સ્થાન હાંસલ કરીને ડાંગ અને રાજ્યનું નામ રોશન કર્યું હતું. હવે આ દોડવીર દેશનું નામ રોશન કરવા માટે વિદેશી ધરતી ઉપર ૫૦૦૦ મીટરની દોડ લગાવીને ગોલ્ડ મેડલ મેળવવાનો પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે, ક્વોલિફાય રાઉન્ડમાં મુરલી ગાવિતે ૫૦૦૦ મીટરની દોડ ૧૪.૪૪.૦૦ મિનિટમાં પૂર્ણ કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
જુનિયર એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ૫૦૦૦ મીટરની દોડ લગાવનારા મુરલીનું લક્ષ્ય પ્રથમ સ્થાન ગોલ્ડ મેડલ ઉપર છે.