વઘઈઃ દંડકારણ્યવનના આદિવાસીઓના કારતક માસમાં એક સપ્તાહ ચાલતા તહેવાર ડોંગરદેવની ભવ્ય ઊજવણી હાલમાં ચાલે છે. વનના કનસર્યાગઢ, કવડ્યાગઢ, નડગ્યાગઢ, રૂગઢ જેવા સ્થળોએ આદિવાસીઓ પારંપારિક રીત રિવાજ મુજબ આ તહેવાર ઉજવે છે. સુખ શાંતિની યાચના સાથે તથા આવક માટે ગઢને પૂજવાનો આ તહેવાર છે. આદિવાસીઓ ડોંગરદેવની સ્થાપના પોતાના ગામમાં કરે છે અને આઠ દિવસના તપ પછી આખા ગામફડ સાથે ગઢ પર જાય છે.
આદિવાસી પરિવારો અનાજની કાપણી કર્યા પછી એ અનાજ ઘરમાં કે સુરક્ષિત જગ્યાએ મૂકતાં પહેલાં આ અનાજ બરકત આપે તે માટે ગામમાં ડોંગરદેવની સ્થાપના કરીને ત્યાં ધરે છે. આઠ દિવસ સુધી ડોંગરદેવની સ્થાપનાની નેમ રાખી હોય એ યુવાનો આઠ દિવસ દેવની સ્થાપના સ્થળે જ રહે છે. પોતાના ઘરે જતા નથી ને ઘરનું ભોજન પણ લેતા નથી. ઘેર ઘેરથી અનાજ, કઠોળ, તલ, મીઠું, મરચું વગેરે એકઠા કરીને દેવને ભોજન ધરી એનો પ્રસાદ જમે છે. આઠ દિવસ સુધી આ યુવાનો સાથે આદિવાસી પ્રજા તાલબદ્ધ નાચી ગાઈને ઉત્સવ મનાવે છે. આઠ દિવસ પછી નજીકમાં આવેલા અથવા જ્યાં માનતા રાખી હોય તે ગઢ (ટેકરી) ઉપર તમામ પારંપારિક નાચગાન સાથે ડોંગરદેવની પૂજા થાય છે.
ગઢ પર ભગત કે પુજારી દેવની પૂજા - અર્ચના અને જાપ કરીને ગઢના દેવને રિઝવે છે. આમ દરેક ગામથી આવેલા દેવો અને તેમના ભગતો આખી રાત દેવ પાસે સુખ શાંતિની અને પ્રજાને બરકત આપે એવી વિનંતી કરે છે. આ પૂજા પછી પોતપોતાના ગામના દેવો લઈને આદિવાસીઓ ગામ જાય છે અને ત્યાં સમૂહ ભોજન કરે છે.