ડાંગમાં રૂ. ૧૫ કરોડના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કરનારા બોસ્ટનસ્થિત ડો. અશોક પટેલનું કોરોનાથી મૃત્યુ

Monday 28th December 2020 06:11 EST
 
 

સાપુતારાઃ ડાંગમાં આદિવાસીઓ માટે રૂ. કરોડના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કરનારા સુરતના બોસ્ટન નિવાસી ડો. અશોક પટેલ (ઉં ૬૦)નું કોરોનાથી તાજેતરમાં મૃત્યુ થયું હતું. ડો. અશોક પટેલે આહવાના અનેક ધક્કા ખાઈને આદિવાસીઓ માટે અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરાવ્યું છે. હોસ્પિટલના નિર્માણ પછી તેઓ આખા ડાંગ જિલ્લાનું નવસર્જન કરવા માગતા હતા. તેનો રોડમેપ પણ તૈયાર હતો. તેમના પરિવારમાં તેમનાં પત્ની સરોજબહેન અને બે દીકરીઓ છે. મોટાં દીકરી નતાશાબહેન (૩૧ વર્ષ) પિતાના પગલે ડેન્ટિસ્ટ થયાં છે તો નાનાં દીકરી નિરાલીબહેન (ઉં ૩૦) ડોકટર છે.
વર્ષ ૨૦૧૪થી તેઓ દર વર્ષે અમેરિકાથી મેડિકલ સ્ટાફની ફોજ લઈને આવતા અને આહવામાં આદિવાસીઓ માટે આરોગ્ય શિબિરો કરતા હતા. વર્ષ ૨૦૧૯માં આહવામાં સતત છઠ્ઠા વર્ષે પણ આરોગ્ય શિબિર યોજાઇ હતી. સેંકડો આદિવાસીઓ ભાઈ-બહેનોને તેનો લાભ મળ્યો હતો. વર્ષ ૨૦૧૯માં કુલ ૬૦ વ્યક્તિની ટીમને લઈને તેઓ અમેરિકાથી આવ્યા હતા. તેમાં ડોક્ટરો હતા, સ્વયંસેવકો હતા, મેડિકલના છેલ્લા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ પણ હતા. આ આખી ટીમે સતત સાત દિવસ સુધી આરોગ્ય કેમ્પ કર્યો. ગયા વર્ષે ૧,૬૪૦ દર્દીઓની સારવાર કરાઈ હતી. આ છઠ્ઠો કેમ્પ હતો. અશોકભાઈને આઠમી નવેમ્બરે કોરોના થયો હતો. એ પછી તેમને ૨૮મી નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ છેલ્લે વેન્ટિલેટર પર હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter