સાપુતારાઃ ડાંગ જિલ્લો ડુંગરો અને ગાઢ જંગલોથી ઘેરાયેલો છે. અહીં અનેક પ્રકારના પશુ પક્ષીઓ જોવા મળતા હોય છે. તેનો અભ્યાસ પણ થતો રહે છે. અહીંના જંગલોમાં આજે પણ અવનવી જીવસૃષ્ટિની પ્રજાતિઓ હયાત હોવાથી વન્ય પ્રાણી પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. હાલમાં જ ગિરિમથક સાપુતારા નજીકના ઘાટમાર્ગમાં આવેલા જંગલ વિસ્તારમાંથી શરીરે પટ્ટાવાળી ગરોળીની દુર્લભ પ્રજાતિ દેખાઈ છે. ગિરિમથક સાપુતારા ફરવા નીકળેલા આહવાના યુવાને અહીં પહાડી જંગલ વિસ્તારમાંથી શરીરે પટ્ટાવાળી રંગબેરંગી દુર્લભ ગરોળીની પ્રજાતિ શોધી કાઢી હતી અને તે પ્રવાસીઓને બતાવતા તેઓ તેને નિહાળી આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. બાદમાં આ પ્રાણી યુવાને તે ગરોળીઓને સહી સલામત રીતે પાછી જંગલમાં છોડી મૂકી હતી.