દક્ષિણ ગુજરાતના ડાંગના જંગલોમાં ઘણી જંગલી વનસ્પતિઓ છે. જે કેન્સર જેવી ગંભીર બીમારીઓમાં અકસીર સારવાર સાબિત થઇ છે. જંગલમાં થતી દુર્લભ વનસ્પતિઓ દ્વારા ડાંગના આદિવાસીઓ ગંભીર રોગની સારવાર કરવામાં નિષ્ણાત છે. આવા આદિવાસી ભગતોના પરંપરાગત જ્ઞાનથી અન્ય લોકો માહિતગાર થાય, તથા તેમને પ્રોત્સાહન આપવા હવે ડાંગના ટુરિસ્ટ પોઇન્ટ પર ટ્રાયબલ હર્બલ પોઇન્ટ અને મસાજ સેન્ટરો શરૂ કરવા વિચારણા શરૂ થઇ છે. કેરળની જેમ હવે ડાંગની પણ હર્બલ મેડીસીન થીમ પર પ્રમોટ કરવા સ્થાનિક જિલ્લા તંત્રે ગુજરાત ટુરિઝમ સાથે ચર્ચા કરવા કવાયત હાથ ધરી છે.
અત્યારે ડાંગમાં જંગલી જડીબુટ્ટીનું પરંપરાગત જ્ઞાન ધરાવતાં ૧૫૦ આદિવાસી ભગતો છે કે જેઓ આજે પણ આ જંગલી વનસ્પતિના માધ્યમથી હઠીલા અને ગંભીર રોગોનો ઇલાજ કરે છે. માત્ર ગુજરાતમાંથી જ નહી બલ્કે મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી લોકો હર્બલ મેડીસીન લેવા ડાંગમાં આવે છે. ઘણાંને આ વાતની જાણ નહી હોય કે, કેટલીક વનસ્પતિ એવી છેકે, જે માત્ર હિમાલયમાં જ જોવા મળે છે તે પૈકીની ઘણી વનસ્પતિ ડાંગમાં પણ જોવા મળે છે. એલોપેથી સારવારથી થાકેલાં લોકો હવે હર્બલ મેડીસીન અને આર્યુવેદિક તરફ વળ્યાં છે ત્યારે ડાંગમાં ટ્રાયબલ હર્બલ મેડીસીન દ્વારા લોકોને આકર્ષી શકાય તેમ છે.
મટવાડમાં NRI દ્વારા સેવાકાર્ય
નવસારીની રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે ગણેશ મહોત્સવ ઓમ ઇન્ડિયા ફૂડ સેન્ટર, બ્રામ્પટ્ન, કેનેડાના સૌજન્યથી તથા ડિસ્ટ્રિક્ટ બ્લાઇન્ડનેસ કંટ્રોલ સોસાયટીના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-મટવાડ (તા. જલાલપોર) ખાતે તાજેતરમાં વિનામૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન કરાયું હતું. ઓમ ઇન્ડિયા ફૂડ સેન્ટર, કેનેડાના ચેરપર્સન વનિતાબેન પટેલ તથા માતૃશ્રી વાલીબેને દીપ પ્રાગટ્ય કરી નેત્રયજ્ઞનો પ્રારંભ કરાવીને રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટની કામગીરીને બિરદાવી હતી. આ નેત્રયજ્ઞમાં ૭૨૨ દર્દીઓની આંખની તપાસ, ૫૫૭ દર્દીઓને ચશ્માનું વિતરણ, ૧૦૨ દર્દીઓને ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યા હતા.
સુરતમાં હીરાના વેપારીનું રૂ. ત્રણ કરોડમાં ઉઠમણું
સુરત હીરા બજારમાં થઈ રહેલા એક પછી એક ઉઠમણાને લીધે સમગ્ર ઉદ્યોગમાં અવિશ્વાસનું વાતાવરણ વ્યાપ્યું છે. ગત સપ્તાહે મહિધરપુરાનો વધુ એક વેપારી બજારમાં દેખાતો બંધ થતા તેના ઉઠમણાની આશંકા પ્રબળ બની છે અને તેના લેણદારો દોડતા થયા છે. મૂળ ઉત્તર ગુજરાતનો એક વેપારી તૈયાર હીરાની ખરીદી કરીને પોતાનો કારોબાર ચલાવતો હતો. આ વેપારી પોતાની ઓફિસને તાળા મારીને ગાયબ થયો છે.
ભદેલીમાં સ્વ. મોરારજી દેસાઈની પ્રતિમાનું અનાવરણ
પૂર્વ વડા પ્રધાન અને ‘ભારતરત્ન’ અને ‘નિશાને પાકિસ્તાન’ એવોર્ડથી સન્માનિત એવા વલસાડના ભદેલી ગામના પનોતા પુત્ર મોરારજીભાઈ દેસાઈનો હિન્દુ પંચાગ મુજબ ધૂળેટીના દિવસે જન્મદિન હતો. ૬ માર્ચના રોજ આ ઊજવણી નિમિત્તે યાદગીરીરૂપે ગામમાં તેમની અર્ધપ્રતિમાનું ગાંધીવાદી કાર્યકર ગફુરભાઈ બીલખીયાના હસ્તે રીબીન કાપી અનાવરણ કરવામાં આવ્યું હતું. સ્વ. દેસાઈના પરિવારના મધુકેશ્વરભાઈ અને તેમના પરિજનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગફુરભાઈએ મોરારજી દેસાઈ સ્મારક સમિતિને રૂ. એક લાખની ટોકન રકમ આપવાની જાહેરાત કરી હતી તથા ગામની પ્રાથમિક શાળાના રિનોવેશન માટે રૂ. એક લાખ આપવાની પણ જાહેરાત કરી હતી.