સુરતઃ ડુમસ કાદી ફળિયાથી એરપોર્ટ તરફ જતા રોડ અને ઝાડીઓમાં સોનાના સિક્કા મળી રહ્યા હોવાની અફવા ફેલાતાં જ ૮મી ઓક્ટોબર (બુધવાર)ની મોડી રાતથી અહીં સોનું શોધવા લોકોએ દોટ મૂકી હતી ચતુષ્કોણ આકારના ધાતુના પીળા સિક્કા મળતાં જ ૮મીએ (ગુરુવારે) સવારે પણ સોનું શોધવા માટે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. જોકે પોલીસે સોની પાસે ચેક કરાવતાં તે નકલી અને બાળકોને રમવા માટેના પતરાંના સિક્કા હોવાનું બહાર આવ્યું હતું.
કાદી ફળિયાના યુવાનો રાત્રે ઓવારાથી એરપોર્ટ તરફ જતાં અંતરિયાળ રસ્તા પર વોકિંગ માટે નીકળ્યા હતા ત્યારે રોડ ઉપરથી પીળા ધાતુના સિક્કા મળી આવ્યા હતા. બે ખજૂરના ઝાડ ક્રોસ કરતાં હોય તેવી ડિઝાઇનવાળા અને પીળી ધાતુના મળેલા સિક્કાઓએ ભારે કુતૂહલ સર્જ્યું હતું. ચળકતા હોવાથી લોકો તેને સોનાના સિક્કા માની બેઠા હતા. જોતજોતામાં આ વાત ડુમસ ગામમાં પ્લેગની જેમ ફેલાઈ ગઈ હતી અને લોકોએ દોટ મૂકી હતી. કેટલાકે બાઇક અને મોપેડ પર બાળકોને લઈને સદોડી આવ્યા હતા. કોઈને પોટલી ભરીને તો કોઈને ખોબો ભરીને સિક્કા મળ્યાનું તરકટ ચાલતાં કોઈ રસ્તે તો કોઈ ઝાડી ઝાંખરામાં સિક્કા શોધતું હતું. સિક્કા શોધવા હાથેથી જમીન પણ ખોદી હતી. છેવટે ડુમસ પોલીસને વાત મળતાં જેમને સિક્કા મળ્યા હતા તેમના સિક્કા સોની પાસે ટેસ્ટ કરાવતાં સિક્કા ખોટા નીકળ્યાનું જણાયું હતું.
બાળકોને રમવા બનાવાયા
પોલીસે જણાવ્યું કે, કાળા પડેલા સિક્કા સોનીએ ચેક કરતાં તે પતરું નીકળ્યું હતું. તેની ઉપરની ડિઝાઇન જોતાં તે સાઉદીમાં બાળકોને રમવા માટેના કોઇન હોઇ શકે. બહારગામથી લાવનારે તે ફેંકી દીધા હોઇ શકે. પોલીસે જાણવા જોગ નોંધ કરીને અફવાની તપાસ આગળ વધારી છે.