સુરત: ડુમસ દરિયા કિનારે જતાં પહેલા લોકોને મિટિંગ પોઈન્ટ બનતું ડુમસનું લંગર ૩૦ જાન્યુઆરીએ ૯૦ વર્ષનું થયું છે. પહેલા વિશ્વયુદ્ધમાં ડુમસના ૩૪ જેટલા યોદ્ધાઓ શહીદ થયા હતા તેમની યાદમાં મુકાયેલા લંગર ખાતે તેમને શ્રદ્ધાંજલિ અપાય છે.
ડુમસ લંગર નામે ઓળખાતા આ સ્થળને આજે તો લોકો સ્ટીમર લાંગરવા માટેની જગા ગણે છે. ૧૫૦૦૦ કિલો લોખંડના જથ્થાને વેંઢારતું આ લંગર ખરેખર તો પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ લેનારા શહીદોની સ્મૃતિ છે તેવું ભાગ્યે જ કોઈને ખબર હશે. નવાઈની વાત એ છે કે આ સ્મૃતિ સ્મારકને સુરત મહાપાલિકા, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર નહીં પણ સ્થાનિક લોકો જ જાળવી રહ્યાં છે.
આ અંગે કર્મવીર ભટ્ટ કહે છે, ૧૯૧૮માં પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યારે સચીનના નવાબે ડુમસ ખલાસીઓને યોદ્ધા તરીકે મોકલ્યા હતા. જેમાંથી ૩૪ જેટલા યોદ્ધાઓ શહીદ થયા હતા તેમના માનમાં ૩૦ જાન્યુઆરી ૧૯૨૮માં તે સમયના મુંબઈ સ્ટેટના ગર્વનર સર વેલ્સી વિલ્સે સ્મારકનું અનાવરણ કર્યું હતું. ગામના મહેશલાલ કહે છે કે, ડુમસ લંગર ઐતિહાસિક છે. પહેલા વિશ્વયુદ્ધમાં ડુમસના ૩૪ યોદ્ધા શહીદ થયા તેમની યાદમાં દર વર્ષે ૩૦ જાન્યુઆરીએ ગામ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરે છે.