ડેડિયાપાડા, ભરૂચ: ગુજરાતમાં પહેલીવાર ડેડિયાપાડાના મોસકૂટ ગામે એકસાથે ૧૫ આંધળી ચાકણની તસ્કરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. વડોદરા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી (SPCA)ના સભ્યે ડમી ગ્રાહક મોકલી રૂ. ૧૫ લાખમાં સોદો કરીને તાંત્રિક વિધિ માટે અંધશ્રદ્ધાળુઓને સરિસૃપોની સપ્લાય કરતી ત્રિપુટીને ઝડપી પાડી છે. ચોંકાવનારી વાત એ છે કે, રૂ. ૨.૨૫ કરોડની કિંમતની આ ૧૫ આંધળી ચાકણનો વેપાર હાલના વન પ્રધાન ગણપતસિંહ વસાવાના ક્ષેત્રથી માંડ ૧૦ કિમી દૂર સોરપાડા રેંજમાં અને પૂર્વ વન પ્રધાન મોતીસિંહ વસાવાના મત વિસ્તારમાં જ થઇ રહ્યો છે. સોરપાડા રેંજ ફોરેસ્ટે આ કેસમાં વન કાયદા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
SPCAના સભ્ય અને વિહિપના હોદ્દેદાર જતીન વ્યાસે જણાવ્યું કે, આંતર રાજ્ય કાર્યરત ટોળકી તાંત્રિક વિધિ માટે અંધશ્રદ્ધાળુઓને આંધળી ચાકણ વેચતી હતી. એકસાથે ૧૫ આંધળી ચાકણ મળી હોય તેવું ગુજરાતમાં પહેલીવાર બન્યું છે. આ ટોળકી આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં પણ સંડોવાઈ હોવાની શંકા છે.
ચાકણ પર તાંત્રિક વિધિ
જતીન વ્યાસે જણાવ્યું કે, ટોળકી લોકોને કહેતી હતી કે તાંત્રિકો એવું જણાવે છે કે આંધળી ચાકણ પર તાંત્રિક વિધિ કરીને આકાશમાં જોરથી વિંઝવામાં આવે તો તેનાથી પૈસાનો વરસાદ થાય છે. વિધિ કરવાથી પૈસા ખેંચી શકાશે. આ ઉપરાંત ટોળકી એવી પણ અફવા ચલાવે છે કે તેમાં એક સળંગ નસ હોય છે તેનું લોહી આરોગે તેને છ મહિના જમવાની જરૂર પડતી નથી. જોકે પ્રાણીપ્રેમીઓ જણાવે છે કે ખરેખર આ નિર્દોષ પ્રાણીને રંજાડવા સિવાય આ બીજું કશું જ નથી.
સવા પાંચ કિલોની ચાકણના રૂ. ૧ કરોડ
આંધણી ચાકણની સોદાબાજી કરતી ટોળકીએ ડમી ગ્રાહક સાથે વાતચીતમાં કહ્યું હતું કે, ૫ કિલો ૨૫૦ ગ્રામની આંધળી ચાકણ હોય તો તેનો ભાવ રૂ. ૧ કરોડથી વધુ હોય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ભાવ રૂ. ૧.૨૫ કરોડ છે. અગાઉ બિહાર અને ઉત્તર પ્રદેશમાં પણ ચાકણનો વેપાર કરતા લોકો પકડાયા છે.
વજન વધારવા છરા આરોગાવાય છે
જતીન વ્યાસે જણાવ્યું કે, આંધળી ચાકણની વધુ કિંમત પડાવવા માટે તેનું વજન વધારવાના અવનવા નુસખા અપનાવાય છે. કેટલાક લોકો તો ક્રૂરતાપૂર્વક બેરિંગના છરા મોં વાટે શરીરમાં ઉતારી વજન વધારે છે. આ ૧૫ આંધળી ચાકણના એક્સ-રે, સોનોગ્રાફી કરાવશે.