સુરત: ઉધનાના પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ નિભાવતા પ્રવીણ પાટિલને ભીમનગર સ્લમ વિસ્તારમાં ટોળું ભેગું થયાનો સંદેશો મળતાં પોલીસ વાનમાં તેઓ સાથીઓ સાથે નીકળ્યા હતા. ટોળું પથ્થરમારો ન કરે તે માટે વાનમાંથી માઇક પર પ્રવીણ પાટિલે એલાન કરતાં કરતાં વીડિયો ચાલુ રાખ્યો હતો. તેમણે એલાન કર્યું હતું કે, ‘તોડ દેંગે શરીર કા કોના કોના, લેકીન હોને નહીં દેંગે કોરોના...’ આ વીડિયો વોટ્સએપના સ્ટેટસમાં મૂક્યો એ પછી તેમના મિત્રએ સોશિયલ મીડિયામાં અપલોડ કરતાં ફેસબુક અને ટ્વિટર પર વીડિયો છવાઈ ગયો. ફિલ્મમેકર રોહિત શેટ્ટી અને આપના નેતા સંજયસિંઘ સહિત દેશભરમાં આ વીડિયો જોવાયો છે. દિલ્હીના આપના નેતા સંજયસિંઘના ૪૨ હજાર ફોલોઅર્સે આ વીડિયો નિહાળ્યો છે. જ્યારે સાંસદ જયમાન ત્સેરિંગ નામગ્યાલના ૨૦ હજાર ફોલોઅર્સે વીડિયો જોયો છે.