વલસાડઃ સ્થાનિક પોલીસે એક મજૂરની ધરપકડ કરી છે. મજૂરીકામ કરતા મહેશ હળપતિ પાસેથી ત્રણ કેરી મળી હતી જે તેણે વલસાડમાં રહેતા મહેશ દેસાઈના ખેતરમાંથી ચોરી હતી. આ ત્રણ કેરી ચોરીને મહેશ પોતાના ઘરે લઈ જવા ઇચ્છતો હતો, પણ ચોરી કરતાં તે રંગેહાથ પકડાતાં તેણે પહેલાં તો ઢોરમાર ખાવો પડ્યો હતો અને પછી જેલમાં પણ જવું પડ્યું હતું. વલસાડના સબ-ઇન્સ્પેક્ટર આર. એમ. શંગાળાએ કહ્યું હતું કે ‘ચોરી બહુ નાની છે, પણ ગુનો તો થયો જ છે અને એની સામે પોલીસ ફરિયાદ પણ થઈ છે એટલે અમે તેની ધરપકડ કરી છે. મહેશ ત્રણ બાળકો, પત્ની અને વૃદ્ધ મા સાથે રહે છે. ગત સપ્તાહે મોડી રાતે તે કામથી પાછો આવતો હતો ત્યારે તેણે મહેશ દેસાઈની વાડીમાં આંબા પર લટકી રહેલી કેરીઓ જોઈ હતી. મહેશે આંબા પર લટકતી અઢળક કેરીમાંથી માત્ર ત્રણ જ કેરી તેનાં બાળકો માટે તોડી, પણ તેના કમનસીબે એ સમયે વાડીનો માલિક વાડીમાં ચોકીદારી કરતો હતો એટલે તે રંગેહાથ પકડાઈ ગયો. વાડીમાંથી લાંબા સમયથી ચોરી થતી હોવાથી મહેશ દેસાઈએ વાડીમાં ચોકીદારી શરૂ કરી હતી, જેનું પરિણામ એ આવ્યું કે એક ગરીબ માણસ તેની હડફેટે ચડ્યો. મહેશ પકડાયો એ પછી વાડીમાં કામ કરતા બધા લોકોએ તેને પુષ્કળ માર્યો હતો અને પછી પોલીસમાં સોંપ્યો હતો.