સુરતઃ રાંદેર, કોઝવે નજીક આવેલા નાની આમલીપુરામાં રહેતી યુસુફ રસવાલાની પુત્રી નિશાદ (ઉં. વ. ૩૨) અને મોહમદ ઉર્ફે વસીમ અસરફ ખાન પઠાણની પત્નીએ ૨૨મીએ રાંદેર પોલીસ મથકમાં પતિ અને સાસુ સફિયાબાઈ અસરફ (રહેવાસીઃ મુંશી સ્ટ્રીટ, રાંદેર ટાઉન) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું કે, પતિ અને સાસુ ઘરકામ બાબતે મહેણાં-ટોણાં મારી તેની સાથે ઝઘડો કરતા હતા. તેની પર શંકા રાખી શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા.
એક દિવસ તેની માસી મોરેશિયસ જવાની હતી અને પત્નીએ માસીને મળવા જવાનું કહેતાં ઝઘડો થયો હતો. મોહમદ ઉર્ફે વસીમ ગુસ્સે થઈને તેને તેના પિયર છોડીને આવ્યો હતો. ફરિયાદમાં નિશાદે જણાવ્યું કે, ૧૮ માર્ચ, ૨૦૧૮થી ૨૩ જૂન, ૨૦૧૯ સુધીમાં તેના પર ભારે જુલમ ગુજારાયો હતો.
વસીમે ૨૩ જૂનની રાત્રે તેના પિતાના મોબાઈલ પર ફોન કર્યો હતો. ત્યારબાદ નિશાદ સાથે વાત કરવાનું કહી તેને ત્રણ વખત તલાક બોલી તલાક આપી દીધા હતા. જેથી પીડિતા નિશાદ રાંદેર પોલીસ મથકે પહોંચી ગઈ હતી. નિશાદે કહ્યું કે, શરૂમાં પોલીસ પણ આ મામલે ગુનો નોંધવામાં મૂંઝવણમાં હતી.
પોલીસના કહેવા મુજબ આ ગુના સંદર્ભનું નોટિફિકેશન પોલીસ પાસે આવ્યું ન હોવાથી નિશાદ પોલીસમથકે આવી ત્યારે જ ગુનો નોંધાયો નહોતો. જોકે, ૨૨મીએ સ્પષ્ટતા થતાં ત્રિપલ તલાકના કાયદા મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે.