કીમ ચારરસ્તા: દક્ષિણ આફ્રિકામાં થયેલા માર્ગ અકસ્માતમાં દક્ષિણ ગુજરાતના માંડવી તાલુકાનાં તડકેશ્વરના ૩ યુવાનોનાં મોત થતાં વતનમાં શોક ફેલાયો છે. તડકેશ્વર ગામના ચૌહાણ ફળિયાના ઇમ્તિયાઝ હનિફ દેસાઇ (ઉં. ૨૯), તડકેશ્વર નવી નગરીના આસિફ ઐયુબ લિંબાડા (ઉં. ૨૯) અને અફવાન અબ્દુલ કુવાડિયા (ઉ. ૨૧) છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી દક્ષિણ આફ્રિકામાં રોજગારી અર્થે રહેતા હતા. ત્રણેય યુવકો ત્યાં નોકરી કરતા હતા. ઇમ્તિયાઝ, આસિફ સહિત અન્ય બે જણા એમ કુલ ચાર મિત્રો પોતાની કારમાં રવિવારની રજા માણવા માટે ડર્બન જવા નીકળ્યા હતા.
દરમિયાન લેડી સ્મિથ નજીક એક પૂરપાટ જતી કારે અચાનક બ્રેક મારતાં આ યુવાનોની કાર સાથે ટકરાઈ હતી. પાછળથી પણ આવી રહેલી અન્ય એક કાર પણ યુવકોની કારની સાથે ધડાકાભેર અથડાતાં યુવાનોની કાર સેન્ડવિચ થઇ ગઈ હતી. આ ઘટનામાં ઇમ્તિયાઝ દેસાઇ અને આસિફ લિંબાડાનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત થયું હતું જ્યારે અન્ય બે મિત્રો પૈકી અફવાન અબ્દુલ કુવાડિયાનું પણ એ પછી હોસ્પિટલમાં મોત થયું જ્યારે હજુ પણ એક સારવાર હેઠળ હોવાની વિગતો છે.