ભરૂચઃ જંબુસર તાલુકાના દેવલા ગામના યુવાન અને છેલ્લા દસ વર્ષથી દક્ષિણ આફ્રિકામાં રોજગાર અર્થે સ્થાયી થયેલા યુવાન પર આફ્રિકામાં સ્થાનિક લૂંટારુઓએ લૂંટ કરવાના ઇરાદે હુમલો કરીને ફાયરિંગ કરતા યુવાનને પગમાં ગોળી વાગી હોવાની ઘટના સામે આવી છે. જંબુસરમાં રહેતા પરિવારના પુત્ર ઇમરાન લાલસા છેલ્લા ૧૦ વર્ષથી દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયા છે. તાજેતરમાં ઈમરાન પોતાની દુકાન બંધ કરીને ગાડીમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ચારેક જેટલા સ્થાનિક લૂંટારુઓએ ઇમરાનની ગાડીનો પીછો કર્યો હતો. ઇમરાને ગાડી સાઈડ પર કરતા લૂંટારુઓએ ઇમરાનને ગાડીમાંથી ખેંચી કાઢ્યો હતો. ઇમરાન લૂંટારુઓથી બચવા ભાગવા જતાં લૂંટારુઓએ ઇમરાનને ગોળી મારી હતી. ઈમરાનને પગમાં ઇજાઓ થવા પામી હતી. ઇમરાન સાથે તેના ત્રણ મિત્રો બચી જવા પામ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ખાસ કરીને સાઉથ આફ્રિકામાં ભારતીયો પર હુમલાની ઘટનાઓ વધી જતા રોજીરોટી રળવા ગયેલા યુવાનોના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયાં છે. સાઉથ આફ્રિકામાં રોજી માટે સ્થાયી થયેલા યુવાનોની સલામતી માટે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા રજૂઆત કરાય એવી માગ ઉઠવા પામી છે.