સુરતઃ સાઉથ આફ્રિકામાં યોજાતી સૌથી જૂની અને સૌથી મોટી કોમરેડ્સ મેરેથોનમાં સુરતના ૧૬ દોડવીરોએ ભાગ લીધો હતો. ૨૯મી મેએ યોજાયેલી આ મેરેથોન એક અલ્ટ્રા મેરેથોન દોડ હોય છે. જે દર વર્ષે સાઉથ આફ્રિકાના ક્વાઝુલુ - નાતાલ પ્રાંતમાં ડર્બન પીટરમેરીત્ઝબર્ગ વચ્ચે યોજાય છે. રેસ ડર્બનથી ‘અપ રન’ અને પીટર મેરીત્ઝબર્ગથી ડાઉન રન થાય છે. આ વર્ષે ડાઉન રન મેરેથોડ યોજાઈ છે. ૯૦ કિ.મી.ની આ મેરેથોન ૧૨ કલાકમાં પૂર્ણ કરવાની હોય છે.
ગત વર્ષે આ મેરેથોનમાં સુરતમાંથી એકમાત્ર લલિત પેરિવાલ જોડાયા હતા અને તેમણે ૧૧ કલાક ૪૪ મિનિટમાં મેરેથોન પૂર્ણ કરી હતી. તેમની પાસેથી પ્રેરણા મેળવીને ચાલુ વર્ષે સુરતમાંથી કુલ ૧૬ રનર આ સૌથી મુશ્કેલ મનાતી મેરેથોનમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકા પહોંચ્યા હતા.
દોડવીર લલિત પેરીવાલ આ મેરેથોન વિશે કહે છે કે કોમરેડ્સ મેરેથોન બહુ અઘરી હોય છે. આપણે ત્યાં મેરેથોન રસ્તા પર થાય છે અને કોમરેડ્સ મેરેથોનમાં પર્વત પરથી પસાર થવાનું હોય છે. આ મેરેથોનમાં ઉબડ-ખાબડ રસ્તાઓ અને પહાડો પર થઈને દોડવાનું હોય છે. જેથી તે વિશ્વની અલગ પ્રકારની અલ્ટ્રા મેરેથોન ગણાય છે. ગત વર્ષે મેરેથોનમાં ૩૭ કિ.મી. દોડ્યા બાદ મને બંને પગમાં સોજા આવી ગયા હતા. છતાં આ વખતે સુરતના દોડવીરોને પ્રેરણા મળે તે માટે હું મેરેથોનમાં દોડી રહ્યો છું.