સુરતઃ જિલ્લાના નાની નરોલી ગામના વતની સાજિદ સિદાતની દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પાસે લેન્સ સિટીમાં બીજીએ ગોળી મારી હત્યા કરાઇ હતી.
માંગરોળ તાલુકાના નાની નરોલીના આંધી ફળિયાના વતની ૩૫ વર્ષીય સાજિદ છોટાભાઇ સિદાત દસેક વર્ષથી જોહાનિસબર્ગ નજીક આવેલા લેનેસ્યા ટાઉનમાં સ્થાયી થયા હતા. સાજિદ પોતાના ઘરેથી જોહાનિસબર્ગ અને લેન્સ વચ્ચે આવેલી સિગારેટની ફેક્ટરીમાં પોતાની કારમાં જવા માટે નીકળ્યા હતા. સિગારેટની ફેક્ટરીમાં કામ કરતા સાજિદ ઉઘરાણીના રૂ. ૭૫ લાખ લઇને નીકળ્યો હતા અને ગણતરીના સમયમાં લુંટારુ હુમલાખોરોનો શિકાર બન્યો હતો. સંભવતઃ રોકડની બાતમી હોવાથી લુંટારુઓએ સાજિદનો પીછો કર્યો હતો. ફેક્ટરીની થોડે દૂર અંતરે સાજિદની કારને આંતરી નીચે ઉતારવામાં આવ્યા હતા.
સાજિદ પાસેથી ૧૫ લાખ રેન્ડ (આશરે રૂ. ૭૫ લાખ) ભરેલી બેગ લૂંટવા તેમણે ઝપાઝપી કરી હતી. સાજિદે પ્રતિકાર કરતાં તેને ગોળી મારી દીધી હતી. લોહીલુહાણ સાજિદ પાસેથી રોકડ ભરેલી બેગ લૂંટી તેઓ ફરાર થઇ ગયા હતા. ગળા અને પેટના ભાગે ગોળી વાગવાથી ગંભીર રીતે ઘવાયેલા સાજિદનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું.