સુરતઃ દક્ષિણ ગુજરાતના સુરત સહિત તીથલ, દાંતી, ભીમપોર વગેરે કાંઠા વિસ્તારનાં ગામો પર ધોવાણનું ભારે જોખમ તોળાઈ રહ્યું છે, કારણ કે પેટાળમાં થતા ફેરફારને કારણે દરિયાકાંઠા વિસ્તારની ૪૫ કિલોમીટર જમીન દરિયામાં ગરક થઈ ચૂકી છે. દિવસે ને દિવસે દરિયો આગળ વધીને વધુ ને વધુ જમીન ગળી રહ્યો છે.
ડુમસનાં કેટલાંક મકાન તથા તીથલ, દાંતી, મેઢર, દાંડી, ભીમપોર, નેસ પારડી સહિતના દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં દરિયાનાં પાણી ગામોમાં ઘૂસી આવતાં હોવાના અનેક કિસ્સા બની રહ્યા છે. તાજેતરમાં ડુમસ ખાતે સામાન્ય કરતાં ઊંચાં મોજાં ઊછળી રહ્યાં હતાં, જેથી દરિયાનું પાણી સરેરાશ સપાટી કરતાં આગળ આવી રહ્યું છે. જોકે છેલ્લા બે દાયકામાં દરિયાની સપાટીમાં થયેલો વધારો જોતાં દક્ષિણ ગુજરાતનાં કાંઠા વિસ્તારનાં ૨૯ ગામ પર ભરતીનું જોખમ તોળાઈ રહ્યું છે.
સુરતનાં ગામોની ૧૦.૩૦ કિમી જમીન ધોવાઈ
ઇસરો અને સેન્ટ્રલ વોટર કમિશને આપેલા એક રિપોર્ટમાં દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારની જમીનના થયેલા ધોવાણનો રિપોર્ટ આપ્યો હતો, જેમાં ઉલ્લેખ કરાયો છે કે સુરતમાં ૭ ગામોની ૧૦.૩૦ કિલોમીટર, વલસાડનાં ૧૦ ગામની ૧૩.૫ કિલોમીટર, નવસારી ૧૧ ગામોની ૨૦.૩૯ કિલોમીટર અને ભરૂચના નાહર ગામની એક કિલોમીટર જમીન દરિયામાં સમાઈ ગઈ છે.