સુરતઃ કોરોના કારણે લોકડાઉનની સ્થિતિમાં દક્ષિણ ગુજરાતની ૩૦ હજાર એકર જમીનમાં ઉનાળુ ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હોવા છતાં મજૂરો ન હોવાથી ખેડૂતોને આર્થિક ફટકો પડે તેમ હોવાથી ત્રીજી મેએ ખેડૂત સમાજ દ્વારા મુખ્ય પ્રધાનને રજૂાત કરીને મજૂરોને આવવા માટે નીતિનિયમો નક્કી કરવા માગ કરાઈ છે.
હાલમાં કોરોનાને કારણે લોકડાઉન જાહેર કરાયું છે. જેનું ખેડૂતો દ્વારા ચુસ્તપણે પાલન કરાયું છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી તથા વલસાડ જિલ્લામાં ખેડૂતો દ્વારા વર્ષ દરમ્યાન ચોમાસું તથા ઉનાળુ એમ બે વારના ડાંગરના પાકનું વાવેતર કરાય છે. વર્ષોથી દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના ડાંગરના પાકની કાપણી માટે આહવા, ડાંગ તથા મધ્ય પ્રદેશ તેમજ મહારાષ્ટ્રની બોર્ડરના વિસ્તારમાંથી ખેતમજૂરો આવતા હોય છે. હાલ પણ દક્ષિણ ગુજરાતના ખેડૂતોના ખેતરમાં ૩૦ હજાર એકર જમીનના વિસ્તારમાં ઉનાળુ ડાંગરનો પાક આગામી ૧૦ દિવસમાં તૈયાર થઈ જશે. પાકની કાપણી શરૂ કરવી પડશે. હાર્વેસ્ટિંગથી કાપણી કરાય તો ડાંગરની પૂડી નહીં નીકળતા પશુ માટે ઘાસચારાની તંગી થઈ શકે છે. અને હાર્વેસ્ટિંગથી કાપણી થાય તો પણ મજૂરોની જરૂર પડવાની છે. હાથથી કાપણી માટે ઉચ્છલ, નિઝર, સોનગઢ, આહવા, ડાંગ જિલ્લામાંથી તથા મધ્ય પ્રદેશ તેમજ મહારાષ્ટ્રની બોર્ડર ઉપરથી મજૂરોને આવવા માટે કોવિડ-૧૯ સંદર્ભે નીતિનિયમો ઘડીને મજૂરોને આવવાની મંજૂરી આપવા માંગણી કરાઈ છે.