સુરતઃ મૂળ દઢાલ ગામનો યુવક યુસુફ અહમદ ભુરીયા છેલ્લા ૧૩ વર્ષથી દક્ષિણ આફ્રિકાના મનાતિયાલ સિટીમાં નોકરી કરતો હતો અને તેના પિતા તથા બે બાળકોનો એક માત્ર આર્થિક સહારો હતો. યુસુફના સગા-સંબંધીઓએ છેલ્લા ૧૫ દિવસથી દક્ષિણ આફ્રિકામાં એક રૂમમાં તેને બંધક બનાવ્યો હતો અને તેને ઢોર માર મારતા હતા જેથી તેનું મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતિ મુજબ ૧૦મી નવેમ્બરે રાત્રે દક્ષિણ આફ્રિકાના કોગ સ્ટાર્ટ ખાતે તેની દફનવિધિ કરાઈ હતી. આ બાબતની વધુ તપાસ હજી જારી છે.
• ગેંગવોરમાં નિર્દોષનું મોતઃ છેલ્લા દોઢેક વર્ષથી દક્ષિણ ગુજરાતના કુખ્યાત ગેંગલીડર મનીષ કુકરી અને ડેનિશ ખત્રીની ગેંગ વચ્ચે લોહિયાળ જંગ ચાલતા આવ્યા છે. એવી જ રીતે ૧૫મી નવેમ્બરે પણ બંને ગેંગસ્ટરો વચ્ચે સુરતમાં જંગ જામ્યો હતો. મનીષે કરેલા ગોળીબારમાં ડેનિશને તો કંઈ થયું નહીં, પરંતુ બે નિર્દોષ તરુણો નિશાંત જીયાણી અને નિકુંજ વેકરિયા ઘવાયા હતા. જેમાંથી નિશાંતનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મનીષ અને ડેનિશ પહેલાં સાથે કામ કરતા હતા અને બાદમાં જમીનની ખંડણી વસૂલી બાબતે બંને વચ્ચે તિરાડ પડતાં બંને ગેંગસ્ટરો છૂટા પડી ગયા હતા. દિવાળીના દિવસે ફટાકડા ફૂટતા હોવાથી ગોળીબારનું લોકોને ધ્યાનમાં ન આવે તે આશયે મનીષે ડેનિશ પર ફાયરિંગ કરવાનું નક્કી કર્યું હતું.
• ગુંદલાવ જીઆઈડીસીની કંપનીના ગોડાઉનમાં આગઃ વલસાડના ગુંદલાવ જીઆઈડીસીમાં આવેલી ઉમિયા પોલીમર કંપનીના ગોડાઉનમાં ૧૬મી નવેમ્બરે બપોરના સમયે એકાએક આગ લાગી હતી. જેને લઈને કંપની સંચાલકોમાં ભાગદોડ મચી ગઈ હતી. આગની જાણ તરત જ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જે બાદ બે કલાકની જહેમતે આગ કાબૂમાં આવી હતી. કંપનીમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી હોઈ ગોડાઉનમાં રાખેલ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.
• ટ્રેનો ઉપડે ઉધનાથી પણ આઈઆરટીસીનું બુકિંગ સુરતથી! પશ્ચિમ રેલવેની ઓનલાઈન ટિકિટનું વેચાણ કરનાર આઈઆરટીસી દ્વારા ઓનલાઈન ટિકિટના બુકિંગમાં ઉધનાથી ઉપડતી ટ્રેનનું બુકિંગ સુરત રેલવે સ્ટેશનથી બતાવતા છેક છેલ્લી ઘડીએ ટ્રેન પકડવા સુરત રેલવે સ્ટેશને પહોંચતા અનેક યાત્રીઓ ટ્રેન ચૂકી જતા હોય છે.