દમણઃ નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ૧૫ વોર્ડ પૈકી ૮ બેઠક પર ભાજપને અને ૨ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો તથા ૫ બેઠક પર અપક્ષે કબજો જમાવ્યો હતો. જ્યારે ૨૨૪ ઉમેદવારોએ ‘નોટા’નો ઉપયોગ કર્યો હતો. દમણના ઇતિહાસમાં નગરપાલિકાની બેઠક પર ભાજપનો પહેલી વાર દબદબો રહ્યો છે.
• શ્વાનને તિરંગો પહેરાવનારા જમીન દલાલની ધરપકડઃ ૨૬ જાન્યુઆરીએ ડુમસ રોડ પર યોજાયેલી પેટ રનમાં પીપલોદના એસ્ટેટ એજન્ટ ભરત ભીમસિંગ ગોહિલ પોતાના પાલતુ જર્મન શેફર્ડ કૂતરાને ભારતનો રાષ્ટ્રધ્વજ પહેરાવીને લાવ્યા હતા. આ કૃત્યના વિરોધ સાથે ગોહિલ સામે રાષ્ટ્રધ્વજના અપમાનનો ગુનો નોંધાયો છે. એક વેપારી દ્વારા કરાયેલી અરજીના આધારે ઉમરા પોલીસે ગુનો નોંધી જમીન દલાલની ધરપકડ કરી હતી.
• બામણવેલમાંથી દીપડો ઝડપાયોઃ બામણવેલ વિસ્તારમાં તાજેતરમાં જાહેરમાં દીપડો નજરે ચઢતાં આ અંગેની જાણ વનવિભાગની ચીખલી રેંજ કચેરીને કરાઈ હતી અને વનવિભાગે કિશોરભાઈ પટેલની વાડીમાં પાજરું ગોઠવ્યું હતું. આ દરમિયાન સાતમી ફેબ્રુઆરીએ દીપડો પાંજરામાં પુરાતાં બે વર્ષના દીપડાને જોવા મોટી સંખ્યામાં લોકો ધસી આવ્યા હતા. કિશોરભાઈએ દીપડો પાંજરે પુરાયો છેની જાણ રેંજના ફોરેસ્ટર પ્રતિભાબહેન પટેલને કરતાં સ્ટાફ સહિત કિશોરભાઈની વાડીએ દીપડાનો કબજો લેવા પહોંચ્યા હતા અને દીપડાની તબીબી તપાસ શરૂ કરવામાં આવી હતી.
• યુનિ.એ ચૂંટણીમાં ઉમેદવારીનું સરળીકરણ કર્યુંઃ યુનિવર્સિટીમાં ભાજપ શાસન આવ્યું ત્યારથી જુદા જુદા અધિકારી મંડળોની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાની ટેકનિકાલિટી નહીં જાણતા ભાજપીઓના જ ઉમેદવારીપત્રો રદ્દ કરવા પડે તેવા કિસ્સાઓ બનતાં કુલપતિએ ખુદ વીટો પાવરનો ઉપયોગ કરીને ભાજપીઓના ફોર્મ માન્ય રાખવા પડ્યાના દાખલાઓ બન્યા હોવાથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની છઠ્ઠી ફેબ્રુઆરીએ મળેલી સિન્ડિકેટ અધિકારી બેઠકમાં હરીફ ઉમેદવારોના ઉમેદવારી પત્રો રદ કરવા માટે ઉપયોગમાં લેવાતા ચૂંટણીના જડ નીતિ નિયમોને રદ કરીને યુનિવર્સિટીની કોઈપણ ચૂંટણીમાં ઉમેદવારીની પ્રક્રિયાનું સરળીકરણ કરવાનો નિર્ણય લીધો છે.
• શાળાનું મકાન જર્જરિત હોવાથી ઓટલે અભ્યાસ કરતાં બાળકોઃ ચીખલી નજીક આવેલા આલીપોર ગામના ભેંસળિયા ફળિયામાં આંગણવાડીનું મકાન છેલ્લા ચારેક વર્ષથી જર્જરિત હાલતમાં હોવાથી બાળકોને આંગણવાડીની બહેનો એક ઘરના ઓટલા પર બેસાડીને તેમને શિક્ષણ આપે છે અને તેમની સારસંભાળ રાખે છે.
• ઈન્ટરનેશનલ ગ્રોન ડાયમંડ એસો.ના પ્રમુખ પદે વિશાલ મહેતાઃ વિશ્વભરના સિન્થેટિક-લેબ ગ્રોન ડાયમંડના ઉત્પાદકોએ સિંગાપોરમાં ઇન્ટરનેશનલ ગ્રોન ડાયમંડ એસોસિએશન (આઇજીડીએ)ની તાજેતરમાં રચના કરી હતી. મૂળ ગુજરાતી અને સિંગાપોરની ટેકનોલોજી કંપનીના સીઇઓ ૩૪ વર્ષીય વિશાલ મહેતાની આ સંગઠનના પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરાઇ હતી.
• સગીરા પરના બળાત્કારી પ્રિયાંક મહંતની ધરપકડઃ ભરૂચના પ્રિયાંક ધર્મેશભાઈ મહંતે ૩જી ફેબ્રુઆરીની રાત્રે હાઉસિંગ બોર્ડ વિસ્તારની ૧૪ વર્ષીય સગીરાનું અપહરણ કર્યું હતું. સગીરાને ઊઠાવી તે મિત્ર કલ્પેશ નાનજી પટેલને ત્યાં લઈ ગયો હતો. જ્યાં સગીરા પર બળાત્કાર ગુજારી ફરાર થઈ ગયો હતો. બળાત્કારનો ભોગ બનેલી સગીરાએ ઘરે જઈ તેના પરિવારજનોને વાત કરતાં સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે પ્રિયાંક અને તેના મિત્ર કલ્પેશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી.
• દાનહના ઈતિહાસમાં સૌથી મોટી બાઈક રેલીનું આયોજનઃ દાનહ યુવા કોંગ્રેસે ચોથી ફેબ્રુઆરીએ દાનહના ઈતિહાસમાં સૌથી મોટી બાઈક રેલીનું આયોજન કર્યું હતું. સેલવાસ શહેરના તમામ ૧૫ વોર્ડમાંથી મોટી સંખ્યામાં યુવાઓએ આ રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.