સુરતઃ અંડરવર્લ્ડ ડોન બબલુ શ્રીવાસ્તવને બુલેટપ્રૂફ વેન-જેકેટની લોખંડી સુરક્ષા વચ્ચે ૨૯મી માર્ચે સુરત કોર્ટમાં ચાર્જફ્રેમ માટે રજૂ કરાયો હતો. ત્યારબાદ સુરતથી બરેલી જેલ લઈ જતી વખતે રેલવે સ્ટેશને ડોન દાઉદ ઈબ્રાહિમ વિશે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, તે ક્યારે જીવતો નહીં પકડાય. પકડાયા અગાઉ તે જાતે જ મરી જશે. આ સિવાય રાજનના પકડવાથી કંઈ ફરક નહીં પડે જે ચાલતું હતું તે પ્રમાણે જ ચાલશે તેમ તેણે વધુમાં ઉમેર્યું હતું.
દાઉદ ઝડપથી પકડાય તેવી આશા
બબલુને ૨૯મી માર્ચે લગભગ ૩ વાગ્યાની આસપાસ સુરતથી બરેલી જેલ લઈ જવાયો હતો. ત્યારે સુરત રેલવે સ્ટેશન પર મીડિયાના પ્રશ્નોના જવાબ આપતાં બબલુએ જણાવ્યું હતું કે, રાજનના પકડાવાથી અંડરવર્લ્ડ પર કોઈ જ ફરક પડે તેમ નથી. બીજી તરફ દાઉદ ઈબ્રાહિમને જીવતો કોઈ પકડી શકશે નહીં. દાઉદ મરેલો જ પકડાશે તેવી વાત કરતાં બબલુએ જણાવ્યું હતું કે, અમે તો ઈચ્છીએ છીએ કે, દાઉદ ઝડપથી પકડાઈ જાય અને તેને ભારત લાવવામાં આવે.
બબલુની બુલેટપ્રૂફ સુરક્ષા
અમજદ દલાલ ફાયરિંગ પ્રકરણમાં આરોપી ડોન બબલુ શ્રીવાસ્તવને સોમવારે કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ડોન બબલુને જેલમાંથી બુલેટપ્રૂફ વેનમાં લાવવામાં આવ્યો હતો અને બુલેટપ્રૂફ જેકેટ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસમાં બબલુ સામે કોર્ટ દ્વારા તહોમતનામું ઘડાયું હતું. હવે આગામી ૩૦મી મેના રોજ આ કેસમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.