સુરતઃ ચોકબજાર પોલીસ મથકના સબ ઇન્સપેકટર વી એસ પટેલ ૨૪મી જુલાઈએ મોટીવેડ ગામના નાયકાવાડ પાસે ગયા હતા. અહીં પોલીસને જોઈ નાસભાગ મચી અને એમાં મહેન્દ્ર ગમનભાઈ મકવાણાનું મોત નીપજ્યું હતું.
સૂત્રોના કહેવા પ્રમાણે કતારગામમાંં રહેતો મહેન્દ્ર નાયકાવાડમાં દારૂના અડ્ડે દારૂ પીવા ગયો હતો. તે અડ્ડેથી નીકળ્યો ત્યારે બાતમીના આધારે દારૂના અડ્ડાની તપાસ કરવા પટેલ ત્યાં પહોંચ્યા હતા. પટેલે આ દલિત મહેન્દ્રને મારતાં તે જમીન ઉપર પટકાયો હતો. આ સાથે જ તેને ખેંચ આવી હતી. તેની સારવારની વ્યવસ્થા પહેલાં તેનું મોત થયું હતું. બીજી તરફ પોલીસે માર મારતાં યુવકનું મોત થયાની વાતે ત્યાં ટોળું જમા થયું અને પીએસઆઈને માર માર્યો હતો. પથ્થરમારામાં પીએસઆઈનું માથું ફૂટી ગયું હતું. તો પોલીસના મારથી દલિત યુવકના મોતની ખબરથી અન્ય પોલીસનો કાફલો ત્યાં ખડકાઈ ગયો હતો. જોકે આ ઘટનામાં ટોળા વિરુદ્ધ ફરિયાદ કરવા ઉપરાંત આરોપી પીએસઆઈ સામે પણ ફરિયાદ નોંધાઈ છે.