સુરત, વલસાડ: આર.આર. સેલ ટીમ, સુરતે ૮મી માર્ચે ધરમપુર ચોકડી પાસેથી પસાર થઈ રહેલી બોલેરો કારને દારૂની હેરફેરની શંકામાં અટકાવી હતી. જોકે આ બોલેરોમાંથી દારૂ તો મળ્યો ન હતો, પરંતુ ચલણી સિક્કાનાં રૂ. ૫ અને રૂ. ૧૦નાં કાળાબજારનો પર્દાફાશ થયો હતો.
રૂ. ૫ અને ૧૦ની કિંમતનાં કુલ રૂ. ૧૩.૮૦ લાખના ચલણી સિક્કા સાથે સુરતનાં બે જણાને પકડી લેવાયા હતા. બંનેએ કબૂલ્યું હતું કે, આ સિક્કા તેઓ વિરારની એક બેંકમાંથી સુરતમાં દલાલોને કમિશનથી આપવા જઇ રહ્યા હતા. સુરત રેન્જના આઇ.જી.ની આર. આર. સેલની ટીમે રસ્તામાં કારના વ્હીલ દબાતા હોવાનું જણાતા કારની પાછલી સીટ ઉપર વજનદાર વસ્તુઓ ભરવામાં આવી હોવાનો અંદાજ લગાવ્યો હતો. કારમાં દારૂનો જથ્થો હોવાની શંકામાં કારની તપાસ કરતાં તેમાંથી ૨૦ પ્લાસ્ટિકની ગુણીઓ મળી આવી હતી.
દરેક ગુણીમાં ૨૦ અલગ અલગ પ્લાસ્ટિકની થેલીઓમાંથી રૂ. ૫ અને રૂ. ૧૦ની કિંમતના રૂ. ૧૩.૮૦ લાખના ચલણી સિક્કા પોલીસને મળી આવતાં આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.