દિસીત જરીવાલા હત્યાકેસઃ પિતરાઇના પ્રેમમાં અંધ પત્નીએ જ પતિનું ગળું કપાવ્યું હતું

Friday 01st July 2016 03:22 EDT
 
 

સુરતઃ શહેરના સૌથી પોશ ગણાતા પાર્લે પોઈન્ટ વિસ્તારમાં થયેલી મોઢવણિક બિઝનેસમેન દિસીત જરીવાલા હત્યાકેસમાં ત્રણ દિવસની તપાસના અંતે સનસનીખેજ પર્દાફાશ થયો છે. આ હાઈ પ્રોફાઈલ હત્યાકેસમાં મૃતક દિસીતની પત્ની વેલ્સી, તેના પ્રેમી સુકેતુ ઉર્ફે સની મોદી તથા ડ્રાઇવરની ગુરુવારે ધરપકડ કરાઇ છે. વેલ્સીનો પ્રેમી સની પરિણીત છે. તે ઉભરાટના મોદી રિસોર્ટ તથા અડાજણમાં ક્રન્ચ રેસ્ટોરાં ધરાવતાં મોદી ફેમિલીનું ફરજંદ છે. પત્ની વેલ્સી સાથે મળીને ઘડાયેલા પૂર્વઆયોજિત કાવતરા અનુસાર સની અને તેના ડ્રાઇવર ધિરેન્દ્રસિંહે બેડરૂમમાં ઘૂસીને દિસીત જરીવાલાનું ગળું કાપી નાંખ્યું હતું.
પાર્લે પોઇન્ટની સર્જન સોસાયટીમાં રહેતાં દિસીત જરીવાલાની સોમવારે રાતે ઘાતકી હત્યા કરાઇ હતી. તે સમયે પોલીસને એવું જણાવાયું હતું કે લૂંટના ઇરાદે બંગલોમાં ઘૂસેલા બે બુકાનીધારીઓએ ગળે છરો મૂકીને દિસીતને બાનમાં લીધા બાદ તેની પત્ની વેલ્સીના ઘરેણાં કઢાવી લીધા હતાં. વેલ્સીને તેની દોઢ વર્ષની દીકરી સાથે બાથરૂમમાં પુરી દીધા બાદ આ બદમાશોએ ખૂની ખેલ ખેલ્યો હતો. પડોશીઓની મદદથી વેલ્સી બાથરૂમની બહાર આવ્યા બાદ આ હત્યાકાંડનો ખુલાસો થયો હતો.
જોકે ઘટના અંગે વેલ્સીએ જે વાતો કરી હતી એ પહેલેથી જ શંકાસ્પદ લાગતી હતી. આ મામલે ઘણાં પ્રશ્રનો ઉભા થયા હતા. જોકે તે સમયે પોલીસે સમયનો તકાજો જોઇને તુરંત કડક કાર્યવાહીની જગ્યાએ પુરાવા એકત્ર કરીને હત્યા કરનારાઓને ઝડપવાની દિશામાં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ સાથે જ એવા અહેવાલ પણ પ્રસિદ્ધ થયા હતા કે દિસીતની હત્યા એ લૂંટની ઘટના ન હતી, પરંતુ તેની હત્યા કરીને સમગ્ર મામલાને લૂંટમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
હવે તપાસમાં ખૂલ્યું છે તેમ આ હત્યાકાંડ પાછળ વેલ્સીના લગ્નેતર સંબંધો કારણભૂત છે. સમાજના જ એક યુવક સાથેના વેલ્સીના પ્રેમસંબંધે દિસીતનો ભોગ લીધો છે. પ્રેમીએ ઘડી કાઢેલા હત્યાના કાવતરામાં વેલ્સીએ પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. બુકાનીધારી લૂંટારુ આવ્યાની વાત વેલ્સીએ કાવતરાના ભાગરૂપે રજૂ કરીને પરિવાર તથા પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
જોઇન્ટ પોલીસ કમિશનર નિપૂણા તોરવણેએ ગુરુવારે પત્રકાર પરિષદ યોજીને કાવતરાની માહિતી આપી હતી. તોરવણેએ જણાવ્યું હતું કે દિસીત જરીવાલાની પત્ની વેલ્સીને સુકેતુ ઉર્ફે સની હર્ષદભાઇ મોદી (રાજવંશ સોસાયટી, ઔન્ય સિટી લાઇટ) સાથે લગ્નેતર સંબંધો હતા. સની મોદી સાધનસંપન્ન પરિવારનો નબીરો છે. સની વેલ્સીના નજીકનો સંબંધી પણ છે. વેલ્સી અને સની વચ્ચે ઘણાં સમયથી સંબંધ હતાં. તેઓ સાથે રહેવા માંગતાં હતાં. જોકે બંને પરિણીત હોવાથી ઘણાં સમાજિક બંધનો આડે આવતાં હતાં.
વેલ્સીની નજર સામે જ પતિની હત્યા
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, જ્યારે દિસીતનું તેના જ બેડરૂમમાં ગળું કાપવામાં આવી રહ્યું હતું ત્યારે તેની પત્ની પણ ત્યાં જ હાજર હતી. પોલીસે તપાસમાં પહેલું કામ સર્જન સોસાયટીમાં લાગેલા સીસી કેમેરાના ફૂટેજ ચેક કરવાનું કર્યું હતું. સોમવારે રાતે ૯:૪૬ વાગ્યે દિસીત તેની પત્ની વેલ્સી અને પુત્રી સાથે કાર લઇ સોસાયટીમાં પ્રવેશ કરે છે. ત્યાર બાદ ૯:૪૮ વાગ્યે એક ઓટો રિક્ષા આવે છે, જે દિસીતના બંગલો નજીકથી પરત ફરતી જણાય છે.
આ રિક્ષા ગયા બાદ ૯:૫૧ વાગ્યે બે યુવકો એટલે કે સની મોદી અને તેનો ડ્રાઇવર ધીરેન્દ્રસિંહ ચાલતાં ચાલતાં જરીવાલાના બંગલો તરફ જતાં જોવા મળે છે. સની અને ધીરેન્દ્રસિંહ બંગલોમાં જઇ પાર્કિંગમાં સંતાઇ ગયા હતાં.
બીજી તરફ, ઘરે પાછી ફરેલી વેલ્સી દીકરી કિયોનાને ઊંઘ આવે છે એમ કહીને પતિને બેડરૂમમાં લઇ ગઇ હતી. અહીં તેણે બેડરૂમની લાઇટ બંધ કરી હતી. જે સની માટે ઘરમાં પ્રવેશવાનું સિગ્નલ હતું. સની અને ધીરેન્દ્રસિંહ ડ્રોઇંગરૂમમાં ઘૂસ્યા અને ત્યાં સંતાયા હતાં. આ દરમિયાન દિસીત સૂઇ જતાં વેલ્સીએ બેડરૂમનો દરવાજો ખોલી બન્નેને અંદર બોલાવ્યા હતાં. અહીં તેઓએ દિસીતને મોતને ઘાટ ઊતાર્યો હતો.
આ પછી આ ત્રણેય જણા ડ્રોઇંગરૂમમાં આવ્યા હતાં. અહીં ત્રણેયે મામલો લૂંટનો હોવાનો સીન ઊભો કરવા અન્ય એક બેડરૂમનો સામાન વેરવિખેર કર્યો હતો. વેલ્સીએ તેની ચેઇન અને બુટ્ટી કાઢી સનીને આપી દીધા હતા. તેઓએ ફર્સ ઉપર તથા અન્યત્ર મરચાની ભૂકી વેરી હતી. ત્યારબાદ સનીએ વેલ્સી અને તેની દીકરી કિયોનાને બાથરૂમમાં પૂરી દઇને બહારથી સ્ટોપર મારી દીધી હતી. ત્યારબાદ સની અને ધિરેન્દ્રસિંહ ૧૧:૩૦ વાગ્યે દિસીત જરીવાલાની કાર લઇ સોસાયટીની બહાર નીકળ્યા હતાં.

મને ખબર છે, મેં શું કર્યું છેઃ વેલ્સી

• હોટલમાં પ્રેમી સાથે સહવાસ માણતા વેલ્સીએ પતિની હત્યાનો પ્લાન ઘડ્યો
• સોમવારની રાતે પતિની પડખે સૂઈ ગયેલી વેલ્સીએ પ્રેમી માટે દરવાજા ખૂલ્લા રાખ્યા
• પતિની હત્યા કરાવી હોવાનું કબૂલનાર વેલ્સીએ પોલીસને કહ્યું મને ખબર છે મેં શું કર્યું છે...
• સાહેબ, મારે પ્રેમી સાથે રહી પુત્રી કિયોનાને છોડવી ન હોવાથી દિસીતનો કાંટો કાઢ્યો.
• હત્યારાની ઓળખ પરેડના બહાને વેલ્સીને પોલીસમથકે લઇ આવી ધરપકડ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter