અમદાવાદ: ફલહે ઈન્સાનિયત ફાઉન્ડેશન ટેરર ફંડિંગ મામલે વલસાડના મોહમ્મદ આરિફ ગુલામબશીર ધરમપુરિયાને લુક આઉટ નોટિસ જારી કર્યા પછી દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ધરપકડ કરી છે. આરોપી મોહમ્મદ આરિફ દુબઈથી ભારત આવતો હોવાની માહિતીના આધારે એનઆઈએએ એરપોર્ટથી ઝડપી લીધો હતો. વલસાડના ખાટકીવાડમાં રહેતા મોહમ્મદ આરિફ ધરમપુરિયા છેલ્લા ૧૫ વર્ષથી દુબઈમાં પાકિસ્તાની ઈસમની મોબાઈલ એજન્સીમાં નોકરી કરતો હતો.
આરિફે દુબઈથી ભારતમાં સંખ્યાબંધ વખત હવાલા પાડયા હોવાના પુરાવા મળ્યા હતા. બાદ એનઆઈએ દ્વારા વલસાડના મોહમ્મદ આરિફ સામે લુકઆઉટ નોટિસ કાઢવામાં આવી હતી. બીજી તરફ મોહમ્મદ આરિફ દુબઈથી ભારત પરત આવતા દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઝડપી લીધો હતો. આરોપી દુબઈથી આંતકી મોહમ્મદ હુસેન મોલાની, અબ્દુલ હામિદ મોલાનીના ફલાહે ઈન્સાનિયત ફાઉન્ડેશન સંસ્થાને ટેરર ફંડિંગ કરતો હતો. એનઆઈએ દ્વારા દિલ્હીમાં આંગડિયા પેઢીમાં વર્ષ અગાઉ પાડેલા દરોડામાં ટેરર ફંડિંગની વિગતો બહાર આવી હતી.