બારડોલીઃ રાંદેરમાં ઋષભ ચાર રસ્તા વિસ્તારની સૂર્યપુર સોસાયટીમાં રહેતા શુગર ફેકટરીના પૂર્વ ડિરેક્ટર દુર્લભભાઈ ગાંડાભાઈ પટેલ (ઉ. વ. ૭૪)એ માંડવીના ખંજરોલી ગામમાં જલારામ સ્ટોન ક્વોરીની ખાણના પાણીમાં કૂદીને તાજેતરમાં આત્મહત્યા કરી હતી. આ ઘટનાની તપાસ માટે ડીવાયએસપી રૂપલ સોલંકીના વડપણ હેઠળ સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરાઈ હતી. પોલીસે ૧૧મી સપ્ટેમ્બરે મોડી રાત્રે તમામ ૧૧ આરોપીઓના ઘરે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ૧૧મી સપ્ટેમ્બરે જ ડીવાયએસપી રૂપલ સોલંકીએ દુર્લભભાઈના પુત્રો ધર્મેશ અને જંયતની પૂછપરછ કરી હતી અને બંનેના મોબાઈલ ફોન કબજે લીધા હતાં. બંનેના મોબાઈલમાં કોલ રેકોર્ડિંગ, વીડિયો રેકોર્ડિંગ અને ભેંસાણ ફાર્મહાઉસ ઉપર જવા માટે પોલીસને મળેલી માહિતી ધ્યાને લેવાઈ હતી. આ ઉપરાંત ડીએસપી ઉષા રાડાએ ઇન્કમટેક્સ વિભાગને લેખિત પત્રથી સ્ટાર ગ્રૂપના માલિક કિશોર કોસિયા અને મરનાર દુર્લભભાઈ પટેલને આપેલી નોટિસો અને વસૂલાત કેસ અંગેના જરૂરી પેપર્સ સાથે ફાઈલની માગ કરી હતી.