સુરતઃ સુરતમાં પહેલી મેએ ૨૬ દર્દીઓ સાજા થયાં અને તેમને હોસ્પિટલમાંથી રજા મળી હતી. એમાં ૭૦ વર્ષનાં ચંદ્રિકાબહેન જરીવાલાનો પણ સમાવેશ થતો હતો. તેમણે હોસ્પિટલમાં દાખલ થયાના ૧૭ દિવસમાં કોરોનાને હરાવ્યો છે. હોસ્પિટલમાંથી રજા મળતાં ચંદ્રિકાબહેન ખૂબ જ ખુશ હતાં. તેમણે જણાવ્યું હતું કે, તેઓ કોરોનાગ્રસ્ત હતાં ત્યારે તેઓને ભોજન ભાવતું જ નહોતું. તેઓ માત્ર દૂધ અને દવાના સહારે જ દિવસભર રહેતાં હતાં.
સુરતનાં માન દરવાજા ટેનામેન્ટમાં રહેતાં ચંદ્રિકાબહેને જણાવ્યું કે, ૧૭ દિવસ પછી મને રજા અપાઇ છે. મને માત્ર બ્લડ પ્રેશરની જ સમસ્યા છે. મને ખબર નથી કે કેવી રીતે હું ચેપગ્રસ્ત બની હતી, પરંતુ મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં રખાઈ હતી. મને કોઈ વસ્તુ ભાવતી જ નહોતી. હું માત્ર દવા પીતી હતી. ૧૫ દિવસમાં માત્ર ૨ રોટલી જ ખાધી છે. મને દૂધ અને પ્રવાહી જ અપાતું હતું. એમાંય મોટે ભાગે તો દૂધ જ લેતી હતી. ચંદ્રિકાબહેને કહ્યું કે, વૃદ્ધોમાં કોરોના ઝડપથી પ્રસરે છે, પણ યોગ્ય સારવારથી હું સાજી થઈ શકતી હોય તો અન્યો પણ સાજા થઈ શકે. નિયમોને અનુસરવામાં થાપ ન ખાઓ. મને ચિંતા એ છે કે હું સાજી થઈ ગઈ છું, પણ મારા પતિ ૭૨ વર્ષના છે અને તેઓ હજી કોરોના પોઝિટિવ છે. તેઓ પણ જલદીથી સાજા થઈ જાય એવી પ્રાર્થના કરતી રહું છું.