કેવડિયા કોલોનીઃ લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાને ‘ચોકીદાર’ ગણાવ્યા છે ત્યારથી ચોકીદાર શબ્દની રાજકારણમાં ભારે બોલબાલા છે. એક તરફ ભાજપી નેતાઓથી માંડીને કાર્યકરો તેમના નામ આગળ સોશિયલ મીડિયામાં ‘મૈં ભી ચોકીદાર’ લગાવતા થયા છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ ‘ચોકીદાર ચોર હૈ’નું કેમ્પેઇન ચલાવે છે. જોકે જાણીને નવાઈ થશે કે ગુજરાતમાં ચોકીદાર દેવનું એક મંદિર છે. અહીં દેશભરમાંથી ભક્તો આવે છે. ભક્તો કહે છે કે, અમારી દરેક બાધા ચોકીદાર દેવ પૂરી કરે છે અને અમને ચોકીદાર દેવ પર પૂર્ણ શ્રદ્ધા છે.
કાળિયો ચોકીદાર
નર્મદા જિલ્લાના દેડિયાપાડાના દેવમોગરામાં ચોકીદાર દેવનું મંદિર આવેલું છે. સ્થાનિકો દેવદર-વાણિયાને ચોકીદાર દેવ કહે છે. આ મંદિર એટલા માટે બનાવવામાં આવ્યું છે કે, આ મંદિરથી થોડે દૂર આદિવાસીઓના કુળદેવી પાંડોરી માતાનું સ્થાનક છે. ત્યાં જતાં પહેલાં આ કાળિયા દેવને રક્ષક માનીને ચોકીદાર દેવનું મંદિર બન્યાનું કહેવાય છે. માતાના મંદિરે જતાં પહેલા લોકો આ માતાજીના રક્ષકની પૂજા અર્ચના કરે છે. પછી દેવમોગરા માતાના મંદિરે જાય છે.
ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓ ચોકીદાર દેવની ખાસ પૂજા- અર્ચના કરે છે. ચોકીદાર દેવની પૂજા-અર્ચના કર્યા બાદ તેમને નમન કરીને ભક્તો દેવમોગરા માતાના દર્શને જાય છે.