સુરતઃ સરથાણમાં મજેસ્ટિકા હાઈટ્સમાં રહેતા વિજયભાઈ વધાસિયા અને તેમની પત્ની રેખાબહેને પુત્ર વીર સાથે ૨૮મી ફેબ્રુઆરીએ મજેસ્ટિકા હાઇટ્સના બારમા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો. પરિવારના સામૂહિક આપઘાત બાદ પોલીસને સુસાઈટ નોટ મળી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે સુસાઈડ નોટમાં લખ્યું છે કે વધેલા દેવા અને વ્યાજના કારણે પરિવાર આ પગલું ભરવા મજબૂર છે. સુસાઈટ નોટ મળ્યા પછી સુરત પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજીને આદેશ જારી કર્યો હતો કે, તમામ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો મામલે જે પણ અરજી પેંડિંગ હોય તે તાત્કાલિક ફરિયાદમાં તબદીલ કરવામાં આવે. જોકે પોલીસે આ સામૂહિક આપઘાત માટે એવી પણ શંકા વ્યક્ત કરી છે કે જો આ પરિવાર માથે દેવું હોય અને વ્યાજ વધી ગયું હોય તો વિજય વઘાસિયા રૂ. એક કરોડનો ફ્લેટ લેવાની હિંમત કરે નહીં.
પોલીસે જણાવ્યું છે કે, આ કેસમાં ઝાયન ક્રેડિટ સોસાયટીના ચેરમેન અને વેપારી વિજય વઘાસિયાના આર્થિક વ્યવહારો માટે ક્રેડિટ સોસાયટીના હિસાબો અને વેપારીની કોલ ડિટેઇલ્સ ચેક કરતાં જાણવા મળ્યું કે વિજયને કોઇ બ્લેકમેલ કરતું હતું. તેથી વઘાસિયાના મિત્રો, પરિવારજનો અને સંબંધીઓનો સંપર્ક કરીને એ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.