નવસારી: ક્રિકેટની દુનિયામાં પિચ (વિકેટ) મહત્ત્વનું પાસું છે. પિચના આધારે ક્રિકેટરો પોતાના આગવા અંદાજમાં રમત રમે છે અને પિચને પારખી જનારા ક્રિકેટરો વિશ્વવિક્રમ નોંધાવે છે. દેશમાં બનાવાયેલી ક્રિકેટ ગ્રાઉન્ડ પર આવી અનેક ઉત્કૃષ્ટ રમત દાખવીને વિશ્વના ખેલાડીઓએ રેકોર્ડ પોતાના નામે કર્યાં છે. આવા અનેક રેકોર્ડની દેશભરની પિચ સાક્ષી બની છે. તે પિચ નવસારી (અજરાઈ-પાથરી)ની માટીથી બનાવાયેલી હોય છે. દેશમાં જાણીતા મુંબઈના વાનખેડે, દિલ્હીના ફિરોઝશા કોટલાથી લઈને ઘણાં મોટા મેદાનો પર બનાવાયેલી પિચ (વિકેટ)માં નવસારી (અજરાઈ-પાથરી)ની માટીનો ઉપયોગ થાય છે.
ગણદેવી તાલુકાના અજરાઈ-પાથરી ગામના એક વિસ્તારમાં આવી પિચ લાયક માટી આવેલી છે. જેને રેડ સોઈલ અથવા લાલ માટી તરીકે ઓળખવામાં આવે છે. માટી પિચ બનાવવા માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે. તેનાથી પિચ મજબુત બને છે. લાલ માટીમાં ચીકાશ હોવાથી રમત દરમિયાન તેમાંથી ધૂળ ઉડતી નથી. તેની ગુણવત્તાના આધારે દેશભરના ક્રિકેટ ગ્રાઉન્ડ પર પિચ પર નવસારીની માટીનો ઉપયોગ કરાયો છે. નોંધનીય છે કે હાલમાં નવસારીની લાલ માટીનો વિસ્તાર ખાનગી માલિકી હસ્તગત છે.