સુરતઃ દેશના મોટાભાગના મંદિરોમા છોલેલા શ્રીફળ દેવી દેવતાને ચઢે કે વધેરાય છે. મંદિરોમાં શ્રીફળ વધેરવા મશીન કે લોખંડની વસ્તુ વપરાય છે, પણ સુરતના ૪૦૦ વર્ષથી પણ પૌરાણિક અંબાજી મંદિરમાં આખા શ્રીફળ વધેરવા બાવળનાં લાકડાંમાંથી બનેલી મોગરી (ગદા જેવું સાધન)નો ઉપયોગ થાય છે. આ માટે મંદિરના પુજારી કિરણભાઈ કહે છે, આ પ્રકારે શ્રીફળ વધેરવાની પ્રથાનો અમલ અમારી ચોથી પેઢી કરી રહી છે. વર્ષો પહેલાં લોકો પોતાની માનતા પૂરી થાય તો મરઘા કે અન્ય પશુના બલિની બાધા લેતાં અને અને તેનો બલી ચઢાવતાં હતા. જોકે, અમારા બાપદાદાઓએ જીવદયાના કારણે પશુના બલિના બદલે શ્રીફળ વધેરવાની પ્રથા શરૂ કરી હતી. જેથી અત્યાર સુધીમાં હજારો પશુ પક્ષીઓના બલિ અટકાવી શકાયા છે.
તેઓ કહે છે, નવરાત્રીમાં હજારો શ્રીફળ વધેરાય છે અને પ્રસાદ તરીકે ભક્તોને આપી દેવાય છે. શ્રીફળ વધેરવા બાવળના લાકડાંથી મોગરી બનાવાય છે અને તેનો ઉપયોગ કરનારા ટ્રેઈન્ડ લોકોને પણ રખાય છે. તેઓ દાવો કરે છે કે, ભારતમાં એક માત્ર આ મંદિર એવું છે જ્યાં લાકડાંની મોગરીથી શ્રીફળ વધેરાય છે.
દક્ષિણના વેપારીઓ આ પ્રથા મંદિરે જોવા આવ્યા!
ભારતના આ જ મંદિરમાં છોતરાં વાળા આખા શ્રીફળ વધેરવા માટે મોગરી વપરાય છે. તેનો ઉપયોગ થતો હોવાની વાત દક્ષિણ ભારતના શ્રીફળના વેપારીઓ સુધી પહોંચી હતી. સુરતમાં શ્રીફળ સપ્લાયનું કામ કરતાં દક્ષિણ ભારતના શ્રીફળના વેપારીઓ અંબાજી મંદિર આવીને માતાજીના દર્શન કરીને મોગરીથી એક ઘાએ શ્રીફળના બે કટકા થતાં જોઈને આશ્ચર્ય પામી ગયા હતા.
મંદિરમાં છત્રપતિ શિવાજીએ દર્શન કર્યાં હતાં
ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા કોટ વિસ્તારના ૪૦૦ વર્ષથી જૂના અંબાજી મંદિરે છત્રપતિ શિવાજી મહારાજે દર્શન કર્યાં હોવાની પણ વાત પણ ખૂબ જ પ્રચલિત છે. મંદિરમાં શિવાજી મહારાજ માતાજીના દર્શન કરી રહ્યાં છે તેવું તૈલચિત્ર મૂકવામાં આવ્યું છે. સુરત શહેર પર અનેક વખત ચઢાઈ કરનારા છત્રપતિ શિવાજી મહારાજે સુરતના અનેક મંદિરમાં જઈ દર્શન કર્યાં હતાં. તેમાંથી એક મંદિર સુરતના અંબાજી રોડનું અંબાજી મંદિર છે. કહેવાય છે કે છત્રપતિ શિવાજીએ દર્શન કરીને માતાજીના ચરણોમાં એક હાર પણ ચઢાવ્યો હતો..