દેશમાં સૌપ્રથમવાર ૭૨૦૦ ઠેકાણે ૫ લાખ જૈનોનું એકાસણું

Wednesday 31st August 2016 07:50 EDT
 

હાલમાં ચાલી રહેલા ચાતુર્માસની સાથે જ ૨૮મી ઓગસ્ટે સુરત સહિત દેશભરમાં ઠેકઠેકાણે જૈન શ્રાવકોએ કરેલા એકાસણું તપનો રેકર્ડ નોંધાયો છે. ચાતુર્માસ નિમિત્તે સુરત પધારેલા જૈનાચાર્ય રૂપમુનિજીના સ્વાસ્થ્ય માટે ૨૮મીના રોજ એકસાથે દેશભરમાં હજારો શ્રાવકોના એકાસણું તપની તૈયારી કરાઇ હતી. જે અંતર્ગત સૌપ્રથમવાર દેશમાં ૭૨૦૦ ઠેકાણે એકસાથે ૫ લાખ જૈનોએ એકાસણું તપ કરવાની સાથે જ યુનિક વર્લ્ડ રેકર્ડ અને વર્લ્ડ રેકર્ડ ઓફ ઇન્ડિયા એમ બે સંસ્થાઓમાં ઐતિહાસિક રેકર્ડની નોંધ લેવાઇ હતી. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અંદાજે ૨૫ હજાર શ્રાવકોએ એકાસણું કરવાની સાથે જ ગુજરાતમાં તે આંકડો ૩૫ હજારને પાર કરી ગયાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. જૈન સમુદાયમાં વિશ્વસંત ગણાતા એવા જૈનાચાર્ય રૂપમુનિજી હાલમાં સુરતમાં ચાતુર્માસ કરી રહ્યા છે.
• સુરતના હીરાના વેપારી સાથે રૂ. ૧૦૦ કરોડની છેતરપિંડીઃ જાપાનમાં પ્રતીક નામના ગુજરાતી વેપારીનો જવેલરીનો શોરૂમ છે. આ વેપારી સુરતની એક જાણીતી ડાયમંડ કંપનીને રફ ડાયમંડ જોબવર્ક માટે મોકલતો હતો. સુરતની કંપની જાપાનથી આવતા જાડા પોઇન્ટર રફ ડાયમંડ પોતાની ડાયમંડ ફેકટરીમાં કટિંગ એન્ડ પોલિશ્ડ કરીને ફરી જાપાન મોકલતી હતી. આ પેટે છેલ્લાં એક વર્ષમાં રૂ. ૧૦૦ કરોડની મજૂરીની રકમ થતી હતી, પણ પ્રતીકે મજૂરીની રકમ ચૂકવવાનો ઇનકાર કરવાની ફરિયાદ સુરતની કંપનીએ પોલીસમાં કરી છે.
• દમણના પ્રશાસક તરીકે ગુજરાતીની નિમણૂક કરાઈઃ સંઘ પ્રદેશ દમણના ઇતિહાસમાં ૨૩મી ઓગસ્ટે ઐતિહાસિક પરિવર્તન કરાયું છે. ભારતીય સનદી અધિકારીઓ અત્યાર સુધી સંઘ પ્રદેશનો કાર્યભાર સંભાળતા હતા જોકે, દિલ્હીના ગૃહ મંત્રાલય દ્વારા ધરખમ ફેરફાર કરીને નોન આઇએએસને પ્રશાસનનો ચાર્જ સોંપાયો છે. દમણના પ્રશાસક તરીકે પ્રથમ વખત ગુજરાતીની નિયુક્તિ કરાઈ છે. દમણના પ્રશાસક તરીકે જેમની નિમણૂક કરવામાં આવી છે એ પ્રફુલ્લ પટેલ અગાઉ ગુજરાતના ગૃહપ્રધાન પણ રહી ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter