ધરમપુરઃ ધરમપુરની સાંઈનાથ હોસ્પિટલના તબીબે ખારવેલના રામવાડી વિસ્તારના પથરીથી પીડાતા મહેશભાઈ પટેલનું ઓપરેશન કરી ૧ કિલો ૪૦૦ ગ્રામ વજન ધરાવતી પથરી સાતમીએ બહાર કાઢી હતી. પથરીની લંબાઈ ૧૩ સેમી અને પહોળાઈ ૯ સે.મી. તેમજ ઊંચાઈ ૧૦ સેમી. છે. દર્દીને અસહ્ય પીડા આપતી મૂત્રમાર્ગમાં થતી પથરી રેતીના કણ જેટલી નાની કે દડા જેવડી પણ હોઈ શકે છે. જોકે નારિયેળના કદની બહાર આવેલી આ પથરી આશ્ચર્ય ઉપજાવી રહી છે. ભારતમાં સૌથી મોટા કદની ઓપરેશન કરી બહાર કઢાયેલી આ પથરી ગણાય છે.
પેશાબ બંધ થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયેલા મહેશભાઈને અગાઉ ૧૯૯૭માં અકસ્માત નડ્યો હતો. જેને લઈને તેને પેશાબની નળીમાં ઈજા થતા તકલીફ ઊભી થઈ હતી. જોકે, રેગ્યુલર ટ્રીટમેન્ટથી આ તકલીફ દૂર થઈ હતી. બાદ તેના યુરીનરી બ્લેડરમાં ધીમે ધીમે પથરી ડેવલપ થઈ મોટી થઈ હતી. પાંચમી એપ્રિલે રાત્રે અચાનક પેશાબ અટકી જતાં વહેલી સવારે દર્દીને ટ્રીટમેન્ટ માટે સાંઈનાથ હોસ્પિટલમાં દાખલ કરાયા. તેમની તપાસ બાદ ડોક્ટર પણ આશ્ચર્ય પામ્યા હતા. આ દર્દીનું પેલવીસ ઓક્યુપાઈ થઈ ગયું હતું. તબીબ ધીરુભાઈ પટેલે તાત્કાલિક ઓપરેશન કરી પથરી બહાર કાઢી હતી. હાલ આ દર્દી સ્વસ્થ છે.