કીમઃ દક્ષિણ ગુજરાત અને તેમાંય ખાસ કરીને ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટમાં રહેતાં પરપ્રાંતીઓમાં નક્સલવાદી વિચારસરણીનો પ્રચાર પ્રસાર કરી તેમને દેશ વિરોધી પ્રવૃત્તિ માટે તૈયાર કરવા અંગે વર્ષ ૨૦૧૦માં કામરેજ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. રેન્જ આઇજી એ. કે. સિંગની સીધા સુપરવિઝન હેઠળ કરાયેલી તપાસમાં ૨૬મી ઓગસ્ટે ૨૪ વ્યક્તિની ધરપકડ કરાઇ હતી. આ તપાસમાં કોબાડ ગાંધીને મુખ્ય સૂત્રધાર ગણવામાં આવ્યો હતો. દાયકાથી ઝારખંડની હજારીબાગ સેન્ટ્રલ જેલમાં બંધ કોબાડના કબજા માટે કામરેજ પોલીસ દ્વારા કાર્યવાહી કરાઇ હતી. જેના પરિણામે ઝારખંડ પોલીસના જાપ્તા સાથે ગાંધીને અહીં લાવી કઠોર કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારબાદ તેની કસ્ટડી કામરેજ પોલીસને સોંપવામાં આવી હતી.
પૂર્વોત્તર રાજ્યોમાં ચાલતી નક્સલી પ્રવૃત્તિ દક્ષિણ ગુજરાતના ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર સુધી વિસ્તારમાં આવી હતી. પૂર્વોત્તર રાજ્યોમાં વોન્ટેડ જાહેર થતાં કે ત્યાં પોલીસ તથા અર્ધલશ્કરી દળોનું પ્રેશર વધે એટલે નક્સલી નેતાઓ દક્ષિણ ગુજરાતમાં આવી આશરો લેતા હતા. આ દરમિયાન તેઓ અહીંના વિવિધ કામદાર અને આદિવાસી સંગઠનો સાથે મિટિંગ કરી તેઓને સરકારી અન્યાયના નામે ભોળવી નક્સલી પ્રવૃત્તિમાં જોડવાનો પ્રયાસ કરતો હતો.
તપાસ દરમિયાન આ દેશવિરોધી પ્રવૃત્તિના મુખ્ય સૂત્રધાર તરીકે કોબાડ ગાંધી ઉર્ફે સલીમ ઉર્ફે રાજન ઉર્ફે કિશોરનું નામ બહાર આવ્યું હતું. જે તે સમયે વોન્ટેડ જાહેર કરાયેલો કોબાડ ગાંધી ઝારખંડમાં હજારીબાગ સેન્ટ્રલ જેલમાં બંધ હતો.