અંકલેશ્વરઃ અંકલેશ્વર નગરપાલિકાએ છ ગધેડાની જાહેર હરાજી કરવાનો નિર્ણય લેતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. હાસ્યાસપદ વાત એ છે કે, ગધેડાની હરાજીનો નિર્ણય નગરપાલિકાના મુખ્ય અધિકારીએ નોટિસના દ્વારા જાહેર કર્યો છે.
જાહેર નોટિસની વિગત એવી છે કે, ગત ૨૨ જૂનના રોજ અંકલેશ્વર નગરપાલિકાની ઢોર ડબ્બા પાર્ટીએ જાહેર માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ થતા ઘણાં ગધેડા પકડ્યા હતા અને તે પછી તેમને જૂના દીવા ગ્રામ પંચાયત હસ્તકના ઢોર ડબ્બામાં ખસેડ્યાં હતા. છેલ્લા અઢી મહિનાથી આ ગધેડા ઢોર ડબ્બામાં છે અને હવે તે ગધેડાઓની સાચવણી અને ચારાનો ખર્ચા નગર પાલિકાને પોષાતો નથી. આથી તમામ ગધેડાની જાહેરમાં હરાજી કરવાનો નિર્ણય લેવાયો છે. નોટિસમાં જણાવ્યું છે કે, આ ગધેડાને તેમના માલિક ત્રણ દિવસમાં પાછા નહીં લઈ જાય તો તેમની હરાજી કરાશે.