સુરતઃ સતત વિવાદોમાં રહેતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શિવેન્દ્ર ગુપ્તા ફરી ચર્ચામાં છે. શિવેન્દ્ર ગુપ્તાના નામે તાજેતરમાં એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ ઓડિયોમાં હિન્દુ સનાતન ધર્મ અને બ્રહ્મચર્યથી લઈને સાધુ સંતો પર અભદ્ર ટિપ્પણી થયાનું સ્પષ્ટ થાય છે.
ઓડિયો બોલાયું છે કે બ્રહ્મચર્યનો દેખાડો કરતાં અને પ્લેબોય મેગેઝિનમાં છપાતા ફોટોગ્રાફ જેવું કેટલાક સંતો જીવે છે. જોકે ઓડિયો અંગે કુલપતિએ જણાવ્યું છે કે, આ ઓડિયો ફેક છે.
સંતોને ક્રિમિનલ સાથે સરખાવાયા
શિવેન્દ્ર ગુપ્તાના નામે વાઈરલ થયેલા ઓડિયોમાં કહેવાયું છે કે, ભારતના સાધુ સંતો અને અમેરિકાના ક્રિમિનલના આઈ ક્યુ લેવલ ૧૩૦ જેટલા સરખા છે. મારું આઈક્યુ કદાચ ૭૦ જેટલું હશે તમારું ૯૦ હોઈ શકે, પરંતુ આ બધા ખૂબ હોંશિયાર છે. તે લોકોને એવી ગોળી પીવડાવે છે કે, તમારા પર રૂ. ૧૦ લાખનું દેવું હોય તો પણ થોડીવાર એ ભુલાવી દે, પરંતુ જેમ જેમ એનેસ્થેસિયાની અસર ઓછી થાય તેમ ફરી દુઃખ તો રહેવાનું જ.
સાધુ સંતો ખૂબ હોંશિયાર હોય છે, પણ લોકોને અવળા માર્ગે દોરીને ક્રિમિનલની જેમ લૂંટે છે અને દેશહિતમાં કશુ કરતાં નથી.
ઓડિયો ખોટો છેઃ શિવેન્દ્ર ગુપ્તા
કુલપિત શિવેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે, હું આવું કંઈ બોલ્યો જ નથી. આ મારો અવાજ નથી. મને બદનામ કરવા માટે આ ફેક ઓડિયો બનાવીને વાઈરલ કરી દેવામાં આવ્યો છે. હું પોલીસની મદદ લઈશ અને કાયદેસર રીતે જે પણ કંઈ થતું હશે તે કરાવીશ.