સુરતઃ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના રોઝઘાટ ગામમાં ૫૮ સભ્યોના એક પરિવારે ૧૦૦ ટકા મતદાન કરીને મતદારોમાં આદર્શ કુટુંબ તરીકે સ્થાન મેળવ્યું છે. આ કુટુંબના સૌથી વયોવૃદ્ધ એવા કાથુડીયાદાદા વસાવા ૧૧૯ વર્ષ જીવ્યા હતા. તેમનું અવસાન ૧૦મી નવેમ્બર, ૨૦૧૪ના રોજ થયું હતું. તેમણે સંયુક્ત કુટુંબની ભાવના સાથે પોતાના પાંચ દીકરાઓના કુટુંબને એક છાપરા સાથે રાખ્યા હતા. આજે તમામ સભ્યોએ એકી સાથે મતદાન કરીને લોકશાહીના પવિત્ર પર્વની ઉજવણી કરી હતી.
૧૧૩ વર્ષના લખમાબાનું મતદાન
ભરૂચના ૧૧૩ વર્ષના વયોવૃદ્ધ મહિલા લખમા બાએ ભરૂચ નગરપાલિકાના વોર્ડ નં. ૮ સ્ટેશન રોડ મિશ્ર શાળા ખાતે પોતાના ૬૫ વર્ષના પુત્ર ધરમસિંહભાઈ અને સહપરિવાર સાથે મતદાન કરીને સૌને મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત આજ સ્થળે વોર્ડ નં. ૮ ભાગ ૧૨ ખાત ૯૦ વર્ષના વૃદ્ધા નયનાબહેન એન. મશાણીએ પણ પોતાના પુત્ર યજ્ઞેશ મશાણી સાથે આવીને મતદાન કર્યું હતું.
યુવાનો પણ મતદાન કરવા માટે પ્રેરાય તે માટે ૧૧૩ વર્ષના મતદાતા લખમાબાએ પવિત્ર મતદાનની ફરજ અદા કરી હતી. આ લખમાબા પુત્રનો હાથ પકડીને લાકડીના ટેકે મત આપવા આવ્યા હતા.