ભરૂચઃ નર્મદા ડેમમાંથી પાણી નહિ છોડવામાં આવતાં ભાડભૂતથી ગરૂડેશ્વર સુધીના ૧૨૧ કિમી સુધીના વિસ્તારમાં નદી દરિયામાં પરિવર્તિત થઈ ચૂકી છે. ભરૂચ તાલુકાના નાંદ ગામથી ભાડભૂત સુધી જતાં નદીના પાણીમાં ટીડીએસમાં ૪૦ ગણો વધારો થઇ ચૂક્યો છે. ભરૂચના કાંઠે પણ નર્મદાના પાણી પીવાલાયક રહ્યાં નથી. ભરૂચ શહેરની નર્મદામાં ટીડીએસનું પ્રમાણ ૧૯,૯૨૮ જેટલું નોંધાયું છે. નાંદથી ભાડભૂત સુધીના ૬૦ કિમીના વિસ્તારમાં નદી દરિયો બની ચૂકી છે.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી અસ્તિત્વ સામે જંગ લડી રહી છે. નર્મદા ડેમમાંથી માત્ર ૬૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જે ડાઉનસ્ટ્રીમના ૧૬૧ કિલોમીટરના વિસ્તાર માટે પૂરતું નહિ હોવાથી નદી સુકીભઠ બની ચુકી છે. દરિયાની ભરતીના પાણી પરત દરિયામાં જતાં નહિ હોવાના કારણે ભાડભૂતથી ગરુડેશ્વર સુધી નર્મદા નદી દરિયામાં પરિવર્તિત થઈ ચૂકી છે. નર્મદા નદીના પાણી હવે પીવાલાયક રહ્યા નહિ હોવાનો ઘટસ્ફોટ વિવિધ સેવાભાવી સંસ્થાઓએ કર્યો છે.