ભરૂચઃ ભરૂચ સિટીઝન કાઉન્સિલ અને નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિએ સૂકીભઠ બનેલી નર્મદા નદીને ૧૬૧ કિમીમાં પુનઃ વહેતી કરવા સર્વોચ્ચ અદાલતના દ્વાર ખખડાવ્યા હતા. બંને સંસ્થાઓએ સુપ્રીમ કોર્ટમાં કરેલી પીટિશન સ્વીકારી કોર્ટે કેન્દ્ર અને રાજય સરકારના મંત્રાલયો અને નિગમો સામે નોટિસ જારી કરી જવાબો માગ્યા છે.
ભરૂચમાં નર્મદા નદીએ તેનું અસ્તિત્વ ગુમાવી દેતાં સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી નહીં છોડાતાં હાલ ૧૬૧ કિમીમાં નદી સૂકીભઠ બની ખારપટમાં ફેરવાઈ રહી છે જે સંદર્ભે ભરૂચની સ્વૈચ્છિક સંસ્થાઓ નર્મદા પ્રદૂષણ નિવારણ સમિતિ અને ભરૂચ સિટિઝન કાઉન્સિલે નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલમાં પીટિશન દાખલ કરી હતી જો કે એનજીટીમાં કોઈ યોગ્ય નિકાલ ન આવતાં આખરે સુપ્રીમ કોર્ટમાં પીટિશન દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા પીટિશન સ્વીકારી લાગતા વળગતા રાજય અને કેન્દ્રના વિવિધ વિભાગોને નોટિસ જારી કરી જવાબો મંગાવ્યા છે. ભરૂચમાં વહેતી નર્મદા નદી હાલ સફેદ રણ સમાન ભાસી રહી છે. દરિયાના ખારા પાણીનું નદીમાં સામ્રાજય ફેલાઈ રહ્યું છે. નર્મદા નદી સુકાઈ જતાં માછીમારો, ખેડૂતો, પ્રવાસન, ઉદ્યોગ સાથે સંકળાયેલા પરિવારો, જિલ્લાના ઉદ્યોગો અને પ્રજા નદીના પાણી લુપ્ત થતા હાલ કપરી સ્થિતિમાં મુકાઈ ગઈ છે.