ભરૂચઃ અંગારેશ્વર ગામે તાજેતરમાં ૭ ગામોની ખાસ મળેલી ગ્રામસભામાં નર્મદા પ્રેમીઓએ નર્મદાને કોઈપણ ભોગે જીવંત કરવા માટેનો સૂર ઉઠાવ્યો હતો.
નર્મદા નદીની દુર્દશાને જોઈને એકત્ર થયેલાં નર્મદા પ્રેમીઓએ સરકાર જો નર્મદા નદીને પુન: જીવિત નહીં કરે તો જળસત્યાગ્રહ કરવાનો ઠરાવ કર્યો હતો. નર્મદા નદીની હાલત દિનપ્રતિદિન વિકટ બની રહી છે. જેની સીધી અસર નદીના કિનારે વસતા લોકોના જનજીવન ઉપર સ્પષ્ટ દેખાઈ રહી છે.
સરકાર દ્વારા નર્મદા ડેમમાંથી પાણી નહીં છોડવામાં આવતાં સુકાઈને મીઠાના અગર સમાન બની ગયેલી નર્મદા નદીને બચાવવા માટે લોકોમાં હવે આક્રોશ જોવા મળી રહ્યો છે. એક જૂથ થઈ રહેલાં લોકોએ નર્મદા નદીને જીવના ભોગે પણ બચાવવાની લાગણી વ્યકત કરી રહ્યાં છે.