નવસારીઃ અજમલ કસાબ અને અન્ય ૧૦ આતંકીઓએ સાત વર્ષ પહેલાં કરેલા આંતકી હુમલામાં નવસારીના કુબેર નૌકાના ત્રણ ખલાસીઓનું અપહરણ કર્યું હતું. આ ખલાસીઓને હજી સુધી કાયદેસર રીતે મૃત જાહેર કરાયા નથી. ૨૬મી નવેમ્બરે આ ત્રણ ખલાસીઓના પરિવારોએ નવસારીના કલેક્ટરને મળીને માછીમારોના ડેથ-સર્ટિફિકેટ તથા વળતર આપવા વિનંતી કરી હતી. હુમલાને સાત વર્ષ થઈ ગયા છતાં મૃતદેહો ન મળવાથી હજી તેમને મૃત્યુ પામેલા જાહેર કરાયા નથી.
જોકે, કાયદા મુજબ જો કોઈ વ્યક્તિ સાત વર્ષ સુધી ગુમ રહે તો તેમને મૃત જાહેર કરાય છે. નવસારીના કલેક્ટરે પણ માછીમારોનાં કુટુંબોને જણાવ્યું હતું કે, હવે ઘટનાને સાત વર્ષ પૂરા થઈ ગયા હોવાથી તેઓ આ કેસની માહિતી સરકાર અને ગૃહવિભાગને કરશે.