નવસારીઃ ભારત સરકાર દેશમાં પ્રવાસન ઉદ્યોગને વિકસાવવા માટે ૫૦ ક્ષેત્ર (સરકીટ)ને પસંદ કરી વિવિધ થીમ આધારિત પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રયાસ કરશે. આ અંતર્ગત પારસી ધર્મને થીમ બનાવીને નવસારી, સંજાણ અને ઉદવાડાને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું આયોજન કરાશે.
મોટાભાગની સરકીટને રાજય પ્રમાણે વિકસાવવાશે. ધર્મને ધ્યાનમાં રાખીને સાત ક્ષેત્રો પસંદ કરાયા છે. જેમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, જૈન અને પારસી ધર્મને આધારીત વિવિધ શ્રદ્ધાના કેન્દ્રોને વિકસાવાશે. ઉલ્લેખનીય છે કે ઇરાનથી પારસીઓ આવ્યા ત્યારે પોતાની સાથે પૂજા માટે જે અગ્નિ લાવ્યા હતા એ અગ્નિ નવસારીના આતશ બહેરામમાં છે. આથી પારસીઓ માટે નવસારીનું પણ એક ખાસ મહત્ત્વનું કેન્દ્ર છે. થોડા સમય અગાઉ કેટલાક પારસીઓ પોતાના પૂર્વજોના મૂળને શોધવા માટે નવસારી આવ્યા હતા. પ્રવાસન મંત્રાલય આ વિવિધ સરકીટને વિકસાવવા માટે રાજય સરકારને મદદ કરે છે. ૨૦૧૨-૧૩ના વર્ષમાં વિવિધ થીમ હેઠળના પ્રોજેકટ પાછળ સરકારે ૧૩૬ પ્રોજેકટને સાકાર કરવાનું કામ રૂ. ૯૨૯ કરોડ સાથે શરૂ કર્યું હતું, તો ૨૦૧૩-૧૪ના વર્ષમાં ૨૬૧ પ્રોજેકટને મંજુરી અપાઇ હતી અને રૂ. ૧૮૦૧ કરોડનો ખર્ચ મંજૂર કર્યો હતો. હવે ૨૦૧૪-૧૫ના વર્ષમાં ૫૩ પ્રોજેકટને મંજુરી અપાઇ છે એ માટે રૂ. ૩૩૩ કરોડની ફાળવણી કરાઇ છે.