ભરૂચઃ ભવ્ય ભરૂચના એક સમયના નવાબના પરિવારજનો આજે દયનીય હાલતમાં જીવે છે. તેમને સરકાર તરફથી માત્ર રૂ. ૮૭ પેન્શન જ ચૂકવવામાં આવે છે. ભરૂચના નવાબ મોઝીઝ ખાનના સાતમા વંશજ એટલે કે નવાબ મોહતેસમઅલીને સરકાર નવાબ તરીકેના લાભ આપવાના બદલે તેમનું અપમાન કરી રહી હોવાની લાગણી થઈ રહી છે. અંગ્રેજોની દેશમાંથી વિદાય પછી થયેલી સંધિમાં નવાબે પાકિસ્તાન જવાનો ઈનકાર કરી હિન્દુસ્તાનમાં રહેવાનું પસંદ કર્યું હતું. તેમનું પેન્શન તે સમયે રૂ. ૮૭ નક્કી કરાયું હતું. જેમાં આઝાદીના ૭ દાયકા બાદ પણ કોઈ વધારો કરાયો નથી. ખાનગી નોકરીમાં મળતા રૂ. ૧૭૦૦ અને રૂ. ૮૭ના પેન્શનમાં નવાબ માટે જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો હોવાનું તેમણે ભીની આંખે જણાવી સરકારના ઉપેક્ષિત વલણ સામે નારાજગી દર્શાવી છે.