નવસારીઃ અવનવી ખાદ્ય સામગ્રી બનાવવામાં સુરતીઓ વિશ્વવિખ્યાત છે. તેમાં પણ મીઠાઈનું નામ પડે એટલે જેમને ડાયાબીટીસ હોય તેમને પણ મોઢામાં પાણી આવે. નવસારી કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞોએ સંશોધન કરીને નવી મીઠાઇ વિકસાવી છે, ‘તરબૂચ કેન્ડી’. જોકે તેને નવસારીના પેંડા તરીકે ઉપનામ આપવામાં આવ્યું છે.
તજજ્ઞોએ તરબૂચમાંથી કેન્ડી બનાવવાનો નવતર પ્રયોગ કર્યો છે. તેઓ આ મીઠાઇને નવસારીના પેંડા તરીકે ઓળખાવવા માગે છે. આ કેન્ડી બનાવવામાં ખાસ કંઈ મહેનત કરવી પડતી નથી. તજજ્ઞોનો દાવો છે કે ગરમીની સિઝનમાં આ કેન્ડીથી શરીરમાં ઠંડક મળશે. ભારતમાં અંદાજે ૧૮ લાખ મેટ્રિક ટન તરબુચનું ઉત્પાદન થાય છે. રેતાળ જમીનમાં થતા તરબૂચ આરોગવાથી પેટમાં ઠંડક થાય છે. તરબૂચનો અખાદ્ય ભાગના નિકાલની સમસ્યા પ્રવર્તતી હોય છે. આ તજજ્ઞોએ તરબૂચના છાલવાળા અંદરના સફેદ ભાગનું સંશોધન કર્યું છે. આ ભાગને વિવિધ પ્રક્રિયામાંથી પસાર કરીને આરોગ્યવર્ધક કેન્ડી બનાવવામાં સફળતા મળી છે. આ કેન્ડી બજારની અન્ય કેન્ડી કરતા હજારોગણી ગુણવત્તા ધરાવે તેવો દાવો કરવામાં આવ્યો છે.