સુરતઃ પંજાબ નેશનલ બેંક (પીએનબી) સાથે ૧૧ હજાર કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ આચરીને વિદેશ ભાગી ગયેલા નીરવ મોદી સામે કાયદાનો સકંજો દિન-પ્રતિદિન મજબૂત બની રહ્યો છે. લેણદાર પંજાબ નેશનલ બેન્કે નીરવ મોદીની સચીન એસઈઝેડમાં આવેલી અંદાજે ૧૮ કરોડ રૂપિયાની કિંમતની ત્રણ મિલકત જપ્ત કરી છે.
પીએનબી સાથે ૧૧ હજાર કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ આચરવાના કેસમાં બેન્ક મેનેજમેન્ટ અને અન્ય એજન્સીઓએ નીરવ મોદી અને મેહુલ ચોક્સી - બન્નેની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પીએનબીએ ૨૭૬૦ કરોડ રૂપિયાની નીરવ મોદીની સંપત્તિ જપ્ત કરવા માટે નોટિસ પણ મોકલી હતી. આ નોટિસ નીરવ મોદીની ભારતમાં આવેલી તમામ મિલકત પર ચોંટાડવામાં આવી હતી. જેમાં નિરવ મોદીની સચીન એસઈઝેડમાં આવેલી ફાયર સ્ટાર ઈન્ટરનેશનલ લિ. એન્ડ અધર્સની ત્રણ મિલકતોનો સમાવેશ થાય છે. આ નોટિસ બાદ પણ બાકી નાણાં ભરવામાં આવ્યા નહીં હોવાથી બેંકના અધિકારીઓએ હવે વિધિવત્ રીતે સચીન એસઈઝેડમાં આવેલી ત્રણેય મિલકતોનો કબજો લીધો છે. જેમાં પ્લોટ નં. ૧૭થી ૧૯ અને પ્લોટ નં. ૨૬માં આવેલી બે ફેક્ટરી તથા પ્લોટ નં. ૨૦ અને ૬૭ના પ્લોટનો પણ કબ્જો લેવાયો છે. મિલકતની અંદાજિત કિંમત રૂ. ૧૮ કરોડ છે.