સુરતઃ ભટાર સ્થિત કન્સ્ટ્રક્શન કંપનીના બેન્ક ઓફ બરોડાના કરન્ટ અને કેશ ક્રેડિટ એકાઉન્ટમાં રજિસ્ટર કરાયેલા મોબાઈલ નંબર બદલી ભેજાબાજોએ નેટ બેન્કિંગથી ૧૧ વ્યક્તિના એકાઉન્ટમાં ૧૯ ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ. ૧.૭૨ કરોડ ટ્રાન્સફર કરી દીધા હતા. સાયબર ક્રાઇમ પોલીસે સવા મહિનાની તપાસને અંતે બે નાઈજિરિયન સહિત પાંચની ધરપકડ કરી છે. ઝડપાયેલાઓમાં કમિશન ઉપર કામ કરતા રાજકોટ, સુરતના બે યુવાનો અને મુંબઈમાં રહેતા બે નાઈજિરિયન વચ્ચે કડીરૂપ મહારાષ્ટ્રના રાયગઢનો યુવાન સામેલ છે.
સાયબર ક્રાઇમ પોલીસે જણાવ્યું કે, અમરેલીના વતની અને સુરતમાં અડાજણ પાલનપોર રાજ વર્લ્ડની બાજુમાં કોરલ હાઈટ્સ સી-૫૦૪ માં રહેતા ૩૪ વર્ષીય પ્રિયંકભાઈ ચતુરભાઇ પટેલ ભટાર ટ્રેડ સેન્ટરની પાછળ યુનિક હાઉસમાં આવેલી યુનિક કન્સ્ટ્રક્શન કંપનીમાં છેલ્લા છ વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. ૨૭ જુલાઈની સવારે ૧૧ વાગ્યે પ્રિયંકભાઈએ ઓફિસ પહોંચી સ્ટેટમેન્ટ ચેક કરવા નેટ બેન્કિંગ શરૂ કરવા પ્રયાસ કર્યો હતો પણ ન થતા બેન્ક ઓફ બરોડાની ભટાર રોડ શાખામાં જઈ તપાસ કરી તો તેમની પેઢીના કરન્ટ અને કેશ ક્રેડિટ એકાઉન્ટમાં રજિસ્ટર કરેલો મોબાઈલ નંબર બંધ હતો અને પૈસા ટ્રાન્સફર થયાની જાણ થઇ હતી. કોઈક ભેજાબાજે તેમનો રજિસ્ટર નંબર બદલી બાદમાં નેટ બેન્કિંગથી ૧૧ વ્યક્તિના એકાઉન્ટમાં ૧૯ ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ. ૧૭૧૮૦૦૧૨ ટ્રાન્સફર કરી દીધા હતા. આ અંગે એકાઉન્ટન્ટે બીજીએ મોડી રાત્રે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.