ઉમરગામઃ રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ભારતીય ચલણી નોટો પર પ્રતિબંધ લાગવાની સ્થિતિ દરમિયાન પારસીઓ દ્વારા ૧૫મી નવેમ્બરે સાદાઈથી સંજાણ ડેની ઉજવણી ઉમરગામ તાલુકાના સંજાણમાં કરાઈ હતી. ૧૩૦૦ વર્ષ પહેલાં ધર્મ માટે વતન ઈરાન છોડીને હિન્દુસ્તાનમાં આવેલા પારસીઓને તે સમયના હિન્દુ રાજા જાહીરાણાએ સંજાણમાં આસરો આપ્યો હતો. પારસીઓએ જાહીરાણાને દૂધમાં સાકર ભળે તેવી રીતે આ દેશ અને દેશના લોકો સાથે ભળી જવાનું વચન આપ્યું હતું. આજે પણ પારસીઓ એ વચન નિભાવે છે. આ દિવસની યાદમાં જાહીરાણાનો ઉપકાર માનવા દર વર્ષે પારસીઓ દ્વારા સંજાણ ડેની ઉજવણી વર્ષોથી કરવામાં આવે છે. આ દિવસે સંજાણમાં ઉપસ્થિત પારસી ધર્મગુરુઓ તથા પારસી ભાઈ-બહેનો દ્વારા પૂજા અને જશનનું આયોજન કરાયું હતું. પારસી ભાઈ - બહેનોએ આ દિવસે કીર્તિસ્તંભની પણ પૂજા કરી હતી.
આ સંજાણ ડેની ઉજવણી કરવા માટે નવસારી, વલસાડ, ઉદવાડા, સરોન્ડા, મુંબઈમાંથી પારસીઓ આવ્યા હતા. દર વર્ષની જેમ રેલવે તંત્ર દ્વારા ગુજરાત એક્સપ્રેસ, ફ્લાઈંગ રાણી વિગેરે ટ્રેનોને સંજાણ રેલવે સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવ્યા હતા.