સુરતઃ નોટબંધીના લીધે સુરતના હીરા ઉદ્યોગમાં કામ ન રહેતા ૨૦,૦૦૦ રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. બીજી તરફ મોટી ડાયમંડ કંપનીઓ પાસે યુરોપ સિવાયના દેશોમાં પોલિશ્ડ ડાયમંડની ડિમાન્ડ નથી. નાતાલ પછી ડાયમંડ ટ્રેડિંગની સ્થિતિ ખરાબ થવાની શક્યતાને પગલે ઝિમ્બાબ્વેની ડાયમંડ માઇનિંગ કંપનીઓએ રફ ડાયમંડના ઉત્પાદનમાં ૬૨ ટકા સુધીનો ઘટાડાનો નિર્ણય લીધો છે. ઝિમ્બાબ્વેની હીરાની ખાણોમાં વર્ષે અઢી બિલિયન ડોલરના રફ ડાયમંડનું ઉત્પાદન થાય છે. નાની સાઇઝના ઝિમ્બાબ્વેના રફ ડાયમંડનો ઉપયોગ સસ્તી જેમ એન્ડ જ્વેલરીમાં થાય છે. ઝિમ્બાબ્વે રફને પોલીશ્ડમાં કન્વર્ટ કરવાની ટેક્નોલોજી અને કારીગરી સુરતના ડાયમંડ મેન્યુફેક્ચર્સ પાસે હોવાથી ૯૫ ટકા રફ પોલિશિંગ માટે સુરત આવે છે. તે જોતા સુરતની ડાયમંડ કંપનીઓને આગામી દિવસોમાં મોટો ફટકો પડશે તેવું જણાઈ રહ્યું છે.